Nirmala Sitharaman On Inflation: નાણા મંત્રીએ ચોંકાવનારું નિવેદન આપ્યું કહ્યું - સરકારની પહેલી પ્રાથમિકતા મોંઘવારી નથી! જાણો કેમ
નાણા મંત્રી સીતારમણે યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ આઈડિયા સમિટમાં સંબોધન કરતાં કહ્યું કે, કેટલીક પ્રાથમિકતાઓ લાલ અક્ષર વાળી હોય છે.
Inflation Is Not Red Letter Priority: છેલ્લા ઘણા સમયથી દેશમાં સતત મોંઘવારી વધી રહી છે (High Inflation) અને આ મોંઘવારીએ દેશના દરેક પરિવારની કમર તોડી છે. એવામાં સરકાર તરફ લોકો આશા રાખે છે કે, સરકાર વધતી મોંઘવારીને અટકાવવા (Controlling Inflation) માટે અસરકારક પગલાં લે. પરંતુ નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાણા મંત્રી સીતારમણે કહ્યું કે, મોંઘવારીનું દબાણ એ સૌથી મોટો પડકાર નથી. પરંતુ વધુમાં વધુ નોકરીઓનું સર્જન અને આર્થિક સમાનતાને લક્ષ્યને મેળવવો સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.
મોંઘવારી નથી 'લાલ અક્ષર વાળી' પ્રાથમિકતા
નાણા મંત્રી સીતારમણે યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ આઈડિયા સમિટમાં (US-India Business Council Ideas Summit) સંબોધન કરતાં કહ્યું કે, કેટલીક પ્રાથમિકતાઓ લાલ અક્ષર વાળી હોય છે. જેમાં નોકરીઓનું સર્જન, સમાન સંપત્તિ વિતરણ એટલે કે આર્થિક સમાનતા અને દેશને વિકાસના પથ પર આગળ લઈ જવો લાલ અક્ષર વાળી પ્રાથમિકતાઓમાં આવે છે. નાણા મંત્રીએ વધુમાં કહ્યું કે, આ મુજબ જોઈએ તો મોંઘવારી આ લાલ અક્ષર વાળી પ્રાથમિકતાઓમાં નથી આવતી. કારણ કે, આપણે છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારી ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી લીધી છે.
મોંઘવારીએ લોકોને પરેશાન કર્યાઃ
તમને જણાવી દઈએ કે, જ્યારે વૈશ્વિક કારણોસર કોમોડિટીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા હતા, ત્યારે એપ્રિલ 2022માં છુટક મોંઘવારી દર 7.79 ટકા પર પહોંચી ગયો હતો. જ્યારે જુલાઈમાં તે ઘટીને 6.71 ટકા થઈ ગયો છે. મોંઘવારી દરમાં વધારા બાદ RBIએ તેને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કરવો પડ્યો હતો. જેથી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવી પડી. આ સાથે સરકારે ઘઉં, ખાંડ અને લોટની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારે ખાદ્યતેલના ભાવ નીચા લાવવા માટે આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.
ભારત રોકાણકારોને આકર્ષશેઃ
નાણામંત્રીએ કહ્યું કે, વિકાસની ગતિને ઝડપી બનાવવાની સાથે બે લક્ષ્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે. નાણાંપ્રધાને કહ્યું કે, સરકાર નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF)ને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે ભારત સતત રોકાણ આકર્ષી રહ્યું છે.