Karnataka : કોંગ્રેસના 50-50 ફોર્મ્યુલા પર ડીકે શિવકુમારે પત્તા ખોલતા CMને લઈ 'કર-નાટક'
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ડેપ્યુટી સીએમ કે કોઈ મંત્રીનું પદ સ્વીકારશે નહીં અને જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી દિલ્હીમાં જ રહેશે.
Karnataka Chief Minister : કોંગ્રેસ હાઈકમાન્ડ કર્ણાટકમાં નવા મુખ્યમંત્રીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચી નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાના જણાવ્યા પ્રમાણે નવા સીએમ માટે પાર્ટીના ટોચના નેતૃત્વમાં વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે અને એક-બે દિવસમાં આ જાહેરાત કરવામાં આવશે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના મોટાભાગના નવા ચૂંટાયેલા ધારાસભ્યો કર્ણાટકની કમાન સિદ્ધારમૈયાને સોંપવાના પક્ષમાં છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સીએમ પદથી ઓછું કંઈપણ સ્વીકારવા તૈયાર નથી.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ડેપ્યુટી સીએમ કે કોઈ મંત્રીનું પદ સ્વીકારશે નહીં અને જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી દિલ્હીમાં જ રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડે આ દરમિયાન કર્ણાટકમાં સીએમ પદ માટે 50:50 ફોર્મ્યુલા પણ રજૂ કરી છે. આ ફોર્મ્યુલા હેઠળ સિદ્ધારમૈયા અને શિવકુમાર વારાફરતી અઢી વર્ષ માટે મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. આ ફોર્મ્યુલા વિશે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અંતર્ગત સિદ્ધારમૈયા પહેલા અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન શિવકુમાર ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. આ સાથે તેઓ લોકસભા ચૂંટણી સુધી કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પણ બનશે. ત્યારબાદ અઢી વર્ષ બાદ ડીકે શિવકુમાર સીએમની ખુરશી પર બેસશે.
શિવકુમારે ખોલ્યા પત્તા
જ્યારે અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, ડીકે શિવકુમાર મુખ્યમંત્રીની ખુરશીને લઈને અડગ છે. 50:50ની આ ફોર્મ્યુલાને લઈને તેમણે એવી શરત રાખી છે કે, તેઓ પહેલા અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે. ત્યાર હાઈકમાન્ડ ઈચ્છે તો રાજ્યની કમાન સિદ્ધારમૈયાને સોંપી શકે છે. શિવકુમારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે, તેમને મુખ્યમંત્રી પદથી ઓછું કંઈ જ નહીં ખપે. તે સિદ્ધારમૈયા સરકારમાં ન તો ડેપ્યુટી સીએમ કે કોઈ મંત્રીનું પદ લેશે, ન તો પાર્ટીના હિત વિરુદ્ધ કોઈ પગલું ભરશે.
આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમાર બુધવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અલગ-અલગ મળ્યા હતા. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ ખાતે રાહુલ ગાંધી સાથે બંને નેતાઓની બેઠકને મુખ્યમંત્રી પદ પર સમજૂતી સુધી પહોંચવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવાર મુખ્યમંત્રી પદ માટે તેમની તરફથી કોઈ નામ સૂચવશે નહીં.
સીએમ પદ માટે કોઈના નામની વિચારણા નથી
દરમિયાન કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ જી પરમેશ્વરાએ તેમનો દાવો રજૂ કરતા કહ્યું હતું કે, જો પાર્ટી હાઈકમાન્ડ તેમને જવાબદારી આપે તો તેઓ મુખ્યમંત્રી પદ સંભાળવા માટે તૈયાર છે. જો કે, સૂત્રોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટી હાઈકમાન્ડ આ પદ માટે કોઈ ત્રીજા નામ પર વિચાર જ નથી કરી રહ્યું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી હતી, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના નેતૃત્વવાળી જનતા દળ (સેક્યુલર) )નો ઘોર પરાજય થયો હતો. અનુક્રમે ભાજપે 66 અને જેડીએસએ 19 બેઠકો જીતી હતી.