બાર જ્યોતિર્લિંગમાં સામેલ આ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર મુકાયો પ્રતિબંધ, રીલ્સ બનાવવા અને ફોટોગ્રાફી પણ BAN
હવે ભક્તો મંદિર પરિસરમાં તસવીરો ક્લિક કરી શકશે નહી એટલું જ નહી વીડિયો બનાવવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો.
કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવે ભક્તો મંદિર પરિસરમાં તસવીરો ક્લિક કરી શકશે નહી એટલું જ નહી વીડિયો બનાવવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. આ નિર્ણય શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. વાસ્તવમાં તાજેતરમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં એક વિવાદાસ્પદ વીડિયો બનાવીને વાયરલ કરવાની ઘટના બની હતી. ત્યારબાદ મંદિર સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવ્યા છે, જેના પર લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશશો નહીં, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અને તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છો.
એટલું જ નહી, મંદિર સમિતિએ કેદારનાથની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને ‘શિષ્ટ વસ્ત્રો’ પહેરવા અને મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ લગાવવાથી દૂર રહેવા પણ કહ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં બોર્ડ પર પણ લખવામાં આવ્યું છે કે આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું હતું કે આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે, ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે બદ્રીનાથ ધામમાંથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવા બોર્ડ લગાવવામાં આવશે.
તાજેતરમાં મંદિરના ગર્ભગૃહમાં જતા પહેલા યાત્રીઓના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ ત્યાં કેમેરા લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ હવે સમગ્ર મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વાસ્તવમાં તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કપલ ભગવાન શિવના દર્શન કરી રહ્યું છે. અચાનક યુવતીએ તેના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. વીડિયોમાં છોકરો અને છોકરી બંને ખુશ છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં તેને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોનું કહેવું છે કે કેદારનાથમાં સામાન્ય ટૂરિસ્ટ સ્પોટ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મંદિર સમિતિ દ્વારા આવા વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પસમાં ફોન પર પ્રતિબંધની માંગ પણ ઉઠી હતી.