Lakhimpur Kheri Case: લખીમપુર ખેરી કેસના આરોપી આશિષ મિશ્રાના જામીન રદ્દ, સુપ્રીમ કોર્ટે 1 સપ્તાહમાં સરેન્ડર કરવા જણાવ્યું
હાઈકોર્ટ આ મામલે ફરી સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે સોમવારે આ ચુકાદો સંભળાવ્યો હતો.
Lakhimpur Kheri Case: લખીમપુર ખેરી કેસના આરોપી આશિષ મિશ્રાના (Ashish Mishra) જામીન રદ્દ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે પીડિત પક્ષને સાંભળ્યો નથી. તેને ઉતાવળમાં જામીન મળી ગયા. હાઈકોર્ટ આ મામલે ફરી સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે સોમવારે આ ચુકાદો સંભળાવ્યો હતો.
જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ બેંચે આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. અગાઉ તે ચાર મહિના સુધી કસ્ટડીમાં હતો. ખેડૂતોએ આશિષ મિશ્રાને આપવામાં આવેલા જામીનનો વિરોધ કર્યો હતો. તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે આશિષ મિશ્રાના જામીન રદ કરવાની ખેડૂતોની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સવાલો ઉઠાવ્યા છે
સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજીને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે કેસની સુનાવણી હજુ શરૂ થવાની બાકી છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાના પ્રકાર જેવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહીં. સ્પેશિયલ બેન્ચે એ હકીકતની કડક નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશ સામે કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સૂચવ્યા મુજબ અરજી દાખલ કરી નથી.
નોંધનીય છે કે ખેડૂતોનું એક જૂથ ગયા વર્ષે 3 ઓક્ટોબરે બીજેપી નેતા કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો વિરોધ કરી રહ્યું હતું જ્યારે એક SUV (કાર) એ લખીમપુર ખેરીમાં કથિત રીતે ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. ગુસ્સે થયેલા દેખાવકારોએ કથિત રીતે બે ભાજપના કાર્યકરો અને એક ડ્રાઇવરને માર માર્યો હતો અને હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મોત થયું હતું.