Lok Sabha Election 2024: પ્રથમ બે તબક્કામાં કોને મળી રહી છે સૌથી વધુ બેઠકો? સર્વેમાં આંકડો જાણીને ચોંકી જશો
Lok Sabha Election 2024:લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ત્રીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ત્રીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા અમિત શાહે બે તબક્કાને લઈને મોટો દાવો કર્યો છે. અમિત શાહનું કહેવું છે કે ભાજપ અને તેના સાથી પક્ષો પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો જીતી રહ્યા છે.
અમિત શાહે કહ્યું, તમે બધા જાણો છો કે 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના 2 તબક્કા સમાપ્ત થઈ ગયા છે. આ બે તબક્કાઓ પછી, અમારા પક્ષના ઇન્ટરનલ સર્વે મુજબ, ભાજપ અને તેના ભાગીદાર પક્ષો મળીને 100ને પાર કરી ગયા છે અને ભારે વિશ્વાસ સાથે અમે જનતાના આશીર્વાદ અને સમર્થનથી 400ને પાર કરવાના અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. અમિત શાહે એમ પણ કહ્યું કે, અમને આસામ, બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ વગેરે જેવા તમામ રાજ્યોમાં ચૂંટણીમાં ભારે સફળતા મળી રહી છે. આ સાથે દક્ષિણ ભારતમાં પણ ભાજપને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોંગ્રેસ કરી રહી છે દુષ્પ્રચાર - અમિત શાહ
આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, થોડા દિવસોથી કોંગ્રેસ 400 પાર કરવાના અમારા ટાર્ગેટને ટ્વિસ્ટ કરવા લાગી છે. તેઓ એવો પ્રચાર કરી રહ્યા છે કે 400 પાર કર્યા પછી ભાજપ બંધારણ બદલશે અને અનામત ખતમ કરશે. આ બંને બાબતો પાયાવિહોણી અને તથ્યહીન છે. ગૃહમંત્રી શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ પેદા કરવા માંગે છે.
ભાજપ SC/ST, OBC અનામતનો સમર્થક
અમિત શાહે કહ્યું હતું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાજપ એસસી/એસટી, ઓબીસી માટે અનામતનો સમર્થક છે અને તેના રક્ષક તરીકે હંમેશા તેની ભૂમિકા ભજવશે. એસસી/એસટી, ઓબીસીના અનામતને ઘટાડવાનો કોઇએ પ્રયાસ કર્યો હોય તો તે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તેમણે સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપ્યું, જેના કારણે ઓબીસી અનામતમાં ઘટાડો થયો હતો. તે પછી કર્ણાટકમાં રાતોરાત કોઈપણ સર્વેક્ષણ વિના તેઓએ તમામ મુસ્લિમોને ઓબીસી કેટેગરીમાં મૂકી દીધા અને તેમના માટે 4 ટકા ક્વોટા અનામત રાખ્યો, તેના કારણે પછાત વર્ગની અનામતમાં પણ ઘટાડો થયો.