મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલું નુકસાન અને ફાયદો, અહીં સમજો વિગતવાર
મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિએ 230 સીટો જીતી છે.
Maharashtra Assembly Election Result 2024: મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિએ 230 સીટો જીતી છે. જ્યારે મહાવિકાસ આઘાડી માત્ર 47 બેઠકો સુધી જ સીમિત રહી હતી. અપક્ષોએ 10 બેઠકો જીતી છે. મહાગઠબંધનમાં સામેલ ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપે અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસિલ કરી છે.
કોને કેટલો ફાયદો અને કેટલું નુકસાન?
2019માં NDA vs UPA વચ્ચે મુકાબલો હતો. એનડીએમાં ભાજપની સાથે અવિભાજિત શિવસેનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે યુપીએમાં કોંગ્રેસની સાથે એનસીપીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2019 માં, સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ ભાજપે 152 બેઠકો અને શિવસેનાએ 124 બેઠકો પર ચૂંટણી લડી હતી, આ સિવાય અન્ય ભાગીદારોને 12 બેઠકો આપવામાં આવી હતી. તેવી જ રીતે, યુપીએમાં કોંગ્રેસ અને એનસીપીએ 125-125 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેઓએ તેમના સાથી પક્ષોને 38 બેઠકો આપી હતી.
2019માં ભાજપે 105 બેઠકો જીતી હતી. ચૂંટણી બાદ ઉભા થયેલા મતભેદોને કારણે શિવસેના અને ભાજપ અલગ થઈ ગયા હતા. તો આ વખતે ભાજપે 132 બેઠકો જીતી છે એટલે કે આ વખતે ભાજપે વધુ 27 બેઠકો જીતી છે.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. આ વખતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના માત્ર 20 સીટો જીતવામાં સફળ રહી છે અને 36 સીટો ગુમાવી છે. કોંગ્રેસે 2019માં 44 બેઠકો જીતી હતી, આ વખતે તેને માત્ર 16 બેઠકો મળી છે અને 28 બેઠકોનું નુકસાન થયું છે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ લાગી રહ્યું હતું કે કૉંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો જીતવામાં સફળ રહેશે પરંતુ એવુ બની શક્યું નહીં.
જ્યારે NCP, જેણે 2019 માં 54 બેઠકો જીતી હતી, અજિત પવારે અલગ પક્ષ બનાવ્યા પછી હવે તેણે માત્ર 10 બેઠકો મળી છે. શરદ પવારની પાર્ટીને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. તેમની 44 બેઠકો ઘટી છે. પહેલીવાર એકલા વિધાનસભા ચૂંટણી લડનાર શિવસેના શિંદેએ 57 બેઠકો અને એનસીપી અજિત પવારે 41 બેઠકો જીતી છે. એકનાથ શિંદે અને અજીત પવારને આ ચૂંટણીમાં મોટો ફાયદો થયો છે.
મહારાષ્ટ્રનું સમીકરણ
- ભારતીય જનતા પાર્ટી: 132
- શિવસેના: 57
- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી: 41
- શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે): 20
- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: 16
- રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર): 10
- સમાજવાદી પાર્ટી: 2
- જન સુરાજ્ય શક્તિ 2
- રાષ્ટ્રીય યુવા સ્વાભિમાન પાર્ટી: 1
- રાષ્ટ્રીય સમાજ પક્ષ: 1
- ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન: 1
- ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી): 1
- પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા: 1
- રાજર્ષિ શાહુ વિકાસ આઘાડી: 1
- અપક્ષ: 2