મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કેસના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 50 હજાર નવા કેસ, 277નાં મોત
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પણ શનિવારે કોરોનાના રેકોર્ડ કેસો નોંધાયા હતા. શહેરમાં શનિવારે 9 હજાર 90 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ દરમિયાન 27 લોકોનાં મોત પણ થયાં હતાં.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra ) માં કોરોના વાયરસે (Coronavirus) કહેર વર્તાવ્યો છે. અહીં શનિવારે કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 49 હજાર 447 નવા કેસ નોંધાયા હતા અને કોરોનાના કારણે 277 દર્દીઓના મૃત્યુ પામ્યા હતા. આ નવા કેસો સાથે રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 29 લાખ 53 હજાર 523 થઈ ગઈ છે.
વધુ 277 દર્દીની મૃત્યુ સાથે હવે મહારાષ્ટ્ર (Maharashtra ) માં કુલ મૃત્યુઆંક 55 હજાર 656 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 37 હજાર 821 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 24 લાખ 95 હજાર 315 થઈ ગઈ છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કુલ 4 લાખ 1 હજાર 172 એક્ટિવ દર્દીઓ છે, જેની સારવાર ચાલી રહી છે.
મુંબઈમાં રેકોર્ડબ્રેક 9 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ (Mumbai)માં પણ શનિવારે કોરોનાના રેકોર્ડ કેસો નોંધાયા હતા. શહેરમાં શનિવારે 9 હજાર 90 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ દરમિયાન 27 લોકોનાં મોત પણ થયાં હતાં. શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 હજાર 322 લોકો સાજા થયા હતા. મુંબઈમાં મોતનો કુલ આંકડો 11 હજાર 751 પર પહોંચી ગયો છે. આ સાથે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 લાખ 66 હજાર 365 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય
વધતા સંક્રમણને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રની સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર (Maharastra)ના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે આજે રાજ્યના 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) રદ કરવાની જાહેર કરી છે. એક નાના રેકોર્ડેડ સંદેશમાં ગાયકવાડે જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્ર રાજ્યના વર્ગ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ (Students) ને કોઈપણ પરીક્ષા વિના આગળના વર્ગમાં માસ પ્રોમોશન અપાશે.
દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ખરાબ છે. દેશમાં 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજારથી વધુ કેસ અને 714 લોકોના મોત થયા છે.