Maharashtra Cabinet Expansion:મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો
મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં લટકી રહેલ મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઈ શકે છે.
Maharashtra News: મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં લટકી રહેલ મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેબિનેટના વિસ્તરણને લઈને શિંદે જૂથમાં સહમતિ સધાઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના જૂથના ધારાસભ્યો સાથે મેરેથોન બેઠકો કરી છે. તમામની સહમતિથી કેબિનેટની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે.
આ જ કારણ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદે છેલ્લા બે દિવસથી પોતાના ધારાસભ્યો સાથે વન-ટુ-વન બેઠક કરી રહ્યા હતા, જેમાં આ સમજૂતી થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથ દ્વારા 20 મંત્રી પદની માંગ કરવામાં આવી હતી, ત્યારબાદ ભાજપ 15 થી 17 મંત્રી પદ આપવા માટે રાજી થઈ ગયું હતું.
એકનાથ શિંદે ટૂંક સમયમાં દિલ્હી આવશે. આ પછી કેબિનેટની તારીખ પર મહોર લાગશે. શિંદે જૂથના જે નેતાઓ અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી હતા તેઓને મંત્રી પદ મળી શકે છે. કેટલાક નવા ચહેરાઓને પણ મંત્રી પદ મળવાની માહિતી મળી રહી છે. જે ધારાસભ્યોને મંત્રી પદ નહીં મળે તેમને મહામંડળ (Corporations) માં ચેરમેન પદ આપવામાં આવશે.
એકનાથ શિંદેએ 30 જૂને ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે દેવેન્દ્ર ફડણવીસને પણ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. વાસ્તવમાં, શિવસેનાના 39 ધારાસભ્યોએ શિંદેના નેતૃત્વમાં બળવો કર્યો અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર લઘુમતીમાં આવી ગઈ. ત્યારથી શિવસેનામાં ખરી લડાઈ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલી રહી છે. શિંદેની આગેવાની હેઠળના જૂથે 'વાસ્તવિક શિવસેના' તરીકે માન્યતા મેળવવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે.