ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં હવે કરિયાણાની દુકાનોમાં પણ મળશે દારૂ, જાણો વિગત
મહારાષ્ટ્ર સરકારે 1000 વર્ગ ફૂટથી વધારે જગ્યા ધરાવતાં સુપર માર્કેટ તથા કરિયાણાની દુકાનોમાં એક અલગ કાઉન્ટર લગાવીને શરાબને વેચાણને મંજૂરી આપી છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. દારૂ વેચાણથી થનારી રેવન્યૂ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારના આ નિર્ણયને લઈને વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે 1000 વર્ગ ફૂટથી વધારે જગ્યા ધરાવતાં સુપર માર્કેટ તથા કરિયાણાની દુકાનોમાં એક અલગ કાઉન્ટર લગાવીને શરાબને વેચાણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના મંત્રી તથા પ્રવક્તા નવાબ મલિકે કહ્યું, રાજ્યમાં શરાબ ઉત્પાદનના અનેક કારખાના છે. શરાબ ઉત્પાદકોની મદદ કરવા રાજ્ય સરકારે આ ફેસલો કર્યો છે.
કરિયાણાની દુકાન ચલાવતાં દુકાનદારોના કહેવા મુજબ, જો કરિયાણાની દુકાનમાં દારૂનું વેચાણ શરૂ થશે તો પરિવારના સભ્યો અને મહિલા ગ્રાહકો આવવાનું બંધ થઈ જશે અને તેમને નુકસાન થશે. જ્યારે ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ વિરેન શાહનું માનવું છે કે મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી મુંબઈના વેપારી સંગઠનો ખુશ દેખાઈ રહ્યા છે. તેનાથી તેમનો બિઝનેસ વધવાની આશા છે.
રાજ્યના કૌશલ્ય વિકાસ મંત્રી નવાબ મલિકે કહ્યું સુપરમાર્કેટ અને આસપાસની દુકાનોમાં અલગ સ્ટોલ આધારિત સિસ્ટમ અપનાવવામાં આવશે. જેઓ 100 ચોરસ મીટર કે તેથી વધુ વિસ્તાર ધરાવતા હોય અને જેઓ મહારાષ્ટ્રના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા હોય તેમને આ મંજૂરી આપવામાં આવશે. પરંતુ પૂજા સ્થાનો અથવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના સુપરમાર્કેટમાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જે જિલ્લાઓમાં દારૂબંધી લાગુ છે ત્યાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે સરકારે પ્રતિબંધ પાછો ખેંચવો જોઈએ. મહાવિકાસ અઘાડી સરકારે કોરોના કાળમાં ખેડૂતો, ગરીબો તથા નાના કારોબારીઓને લાભ થાય તેવો એક પણ નિર્ણય લીધો નથી. સરકારની પ્રાથમિકતા માત્ર શરાબ છે. સત્તાના નશામાં ચૂર સરકારે ગરીબોની મદદ કરવી જોઈએ. તેમણે ટ્વીટ કરીને લખ્યું, પેટ્રોલ-ડીઝલની તુલનામાં શરાબ સસ્તી થઈ. દારૂબંધી ખતમ કરવા દારૂ વેચવાની મંજૂરી આરપવામાં આવી. મહારાષ્ટ્રમાં શરાબ વેચાણ માટે નવી પરમીટ આપવાની શરૂઆત થઈ. હવે સુપરમાર્કેટ તથા કરિયાણાની દુકાનોમાં પણ શરાબ વેચવાની મંજૂરી આપવામાં આવી રહી છે.