(Source: ECI/ABP News/ABP Majha)
Manipur Violence: 100થી વધુ લોકોના મોત, 50 હજાર લોકો બેઘર, કેમ મણિપુર નથી થઈ રહ્યું શાંત?
Manipur News: નફરત અને હિંસાની આ આગ સમગ્ર મણિપુરને બાળીને રાખ કરવા માંગે છે. આ આગને વધતી અટકાવી શકાય છે. આ કાર્ય અત્યારે અઘરું ચોક્કસ છે, પણ અશક્ય નથી.
Manipur Violence Inside Story: પૂર્વોતરનું હરિયાળું સુંદર રાજ્ય મણિપુર હિંસા અને નફરતની આગમાં ભડકે બળી રહ્યું છે અને આ આગ અટકવાનું નામ નથી લઈ રહી. 3 મેથી મૈતેઇ અને કુકી સમુદાયો અનામતના મુદ્દાને લઈને સામસામે છે. કુકી સમુદાય પર્વતીય વિસ્તારોમાં રહે છે, જ્યારે મૈતેઇ સમુદાય પર્વતોની તળેટીમાં રહે છે. તેમને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવા કે નહીં તે અંગે બે સમુદાયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કુકી સમુદાયનું માનવું છે કે મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ ન કરવો જોઈએ. મણિપુરના ચુરાચંદપુરમાં 3 મેના રોજ આ મુદ્દે પ્રદર્શન થયું હતું, ત્યારબાદ શરૂ થયેલી હિંસાનો સિલસિલો હજુ પણ ચાલુ છે.
મણિપુરમાં હિંસા કેમ અટકતી નથી?
જણાવી દઈએ કે 3 મેથી રાજ્યમાં શરૂ થયેલી હિંસામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો તેમના ઘર છોડવા માટે મજબૂર થયા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કર્ફ્યુ લાગુ છે અને હિંસા રોકવા માટે સેના અને આસામ રાઈફલ્સના 10,000થી વધુ જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે મણિપુરમાં CRPF અને BSFના 7 હજારથી વધુ જવાનો પણ તૈનાત છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે CRPFની 52 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સની 10 કંપનીઓ, BSFની 43 કંપનીઓ, ITBPની 4 કંપનીઓ અને SSBની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
આતંકવાદી સંગઠનોના એન્ટ્રીનો દાવો
પરંતુ આ પછી ન તો હિંસા અટકી રહી છે અને ન તો મૃત્યુઆંક, બે દિવસ પહેલા ત્યાંના એક ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના હુમલામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 10થી વધુ ઘાયલ થયા હતા. બે સમુદાયો વચ્ચેના આ વિવાદમાં હવે ઉગ્રવાદી સંગઠનોના પ્રવેશનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર લગભગ 300 સશસ્ત્ર આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરના બિષ્ણુપુરમાં પ્રવેશ્યા છે અને કુકીની વસ્તીવાળા ચુરાચંદપુર તરફ આગળ વધી રહ્યા છે.
સેનાનું સ્ટેન્ડ શું છે?
રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ પણ હિંસા માટે આ ઘૂસણખોરો અને આતંકવાદીઓને જવાબદાર માની રહ્યા છે, તેમના મતે આ હિંસા કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની લડાઈનું પરિણામ છે. જો કે, આ મુદ્દા પર સેનાનું વલણ તેમનાથી બિલકુલ વિરુદ્ધ છે, કારણ કે સેનાએ પહેલેથી જ કહ્યું છે કે મણિપુરમાં વર્તમાન હિંસાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી અને તે બે જાતિઓ વચ્ચેનો સંઘર્ષ છે.