આવતીકાલે રાજ્યના 15 જિલ્લામાં યોજાશે મોકડ્રીલ, જાણો તમામ જિલ્લાઓના નામ?
Home Ministry mock drill directive: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે

Home Ministry mock drill directive: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતની સંભવિત કડક કાર્યવાહીના સંકેતો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs ) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી 7, મેના રોજ 'એર રેઇડ સાયરન' સંબંધિત મોક ડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
Union Home Ministry asks several states to conduct mock drills on May 7 for effective civil defence: Sources
— Press Trust of India (@PTI_News) May 5, 2025
ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. તે સિવાય દેશના 224 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરાશે. કેન્દ્રીય ગૃહ સચિવની આજે તમામ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં સામેલ થશે. રાજ્યના ભારત- પાકિસ્તાન બોર્ડરવાળા જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. બપોર બાદ ક્યા જિલ્લામાં અને કેવી મોકડ્રીલ યોજવી તેની કલેકટર્સને સૂચના અપાશે. સિવિલ ડિફેન્સના DG મનોજ અગ્રવાલ, મુખ્ય સચિવ પંકજ જોશી VCમાં જોડાશે. સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા અન્ય અધિકારીઓ પણ કોન્ફરન્સમાં જોડાશે.
આ 15 જિલ્લાઓમાં યોજાશે મોક ડ્રીલ
વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી, ડાંગનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાવવા માટે પણ સૂચના આપી છે. નાગરિક સંરક્ષણ વિભાગને એવી તાલીમ આપવા માટે જણાવાયું છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે અને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ શકે છે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને કોઈપણ પ્રકારનો હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. 'બ્લેકઆઉટ'ની વ્યવસ્થા કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી જોઈએ જેથી દુશ્મન કોઈ લક્ષ્ય જોઈ ન શકે.





















