(Source: ECI/ABP News/ABP Majha)
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું
આ તમામ એકાઉન્ટની સામાન્ય વાત એ છે કે તે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે અને ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવે છે.
મોદી સરકારે વધુ 35 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (P&A) વિક્રમ સહાયે જણાવ્યું હતું કે ગઈકાલે 20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી ગુપ્ત માહિતીના આધારે, અમે 35 યુટ્યુબ ચેનલો, 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સ અને એક ફેસબુક એકાઉન્ટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ તમામ એકાઉન્ટની સામાન્ય વાત એ છે કે તે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે અને ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવે છે.
વિક્રમ સહાયે કહ્યું કે આ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવનારા એક માહિતી યુદ્ધ જેવું છે જે ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવે છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
અગાઉ 19 જાન્યુઆરીના રોજ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સરકાર દેશ વિરુદ્ધ તે "ષડયંત્રકારો" પર કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, ‘મેં તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મને ખુશી છે કે વિશ્વના ઘણા મોટા દેશોએ આ અંગે સંજ્ઞાન લીધું છે. YouTube પણ આગળ આવ્યું અને તેને બ્લોક કરવાની કાર્યવાહી કરી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે, ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસમાં, 20 YouTube ચેનલો અને બે વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેઓ ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર ફેલાવી રહ્યા હતા.
મંત્રાલયે કહ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ "કાશ્મીર, ભારતીય સૈન્ય, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે".