એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધી, ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવી શકે છે આ આઠ નવા બિલ
સંસદનું આગામી ચોમાસુ સત્ર 21 જૂલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે

સંસદનું આગામી ચોમાસુ સત્ર 21 જૂલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ચોમાસુ સત્રમાં સરકાર આઠ નવા બિલ રજૂ કરી શકે છે, જેમાં રમતગમત, ખનિજો, શિક્ષણ અને કર સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે.
સરકાર ચોમાસુ સત્રમાં આ નવા બિલ લાવી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ સત્રમાં કેટલાક નવા બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
- નેશનલ સ્પોર્ટ્સ ગવનન્સ બિલ
આ બિલ મારફતે રમતગમત સંગઠનોમાં જવાબદારી અને પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેનો હેતુ ખેલાડીઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને રમતગમત સંબંધિત વિવાદોને ઉકેલવા માટે સ્પષ્ટ નિયમો બનાવવાનો છે.
- નેશનલ એન્ટી ડોપિંગ સંશોધન બિલ
આ બિલ દ્ધારા ડોપિંગ વિરોધી પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ડોપિંગ પર કડક કાર્યવાહી અને ખેલાડીઓની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાનો છે.
- જીઓહેરિટેજ સાઇટ્સ એન્ડ જિઓરેલિક્સ પ્રિઝર્વેશન અને મેઇન્ટેનન્સ બિલ
આ બિલ ભારતના ભૂસ્તરશાસ્ત્રીય વારસા એટલે કે જિઓહેરિટેજ સાઇટ્સ અને મહત્વપૂર્ણ ખડક રચનાઓના સંરક્ષણ અને જાળવણી સાથે સંબંધિત હશે.
- IIM સંશોધન બિલ
ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓ (IIM) સંબંધિત આ સુધારાનો હેતુ તેમના વહીવટી માળખા અને કામગીરીમાં કેટલાક ફેરફારો લાવવાનો છે, જેથી શિક્ષણની ગુણવત્તા અને પારદર્શિતામાં સુધારો થઈ શકે.
- મણિપુર GST સંશોધન બિલ
આ બિલનો હેતુ મણિપુર રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કાયદામાં જરૂરી તકનીકી અથવા માળખાકીય ફેરફારો કરવાનો છે.
- કરવેરા સુધારો બિલ
આ બિલ દ્વારા આવકવેરા અથવા અન્ય કર કાયદાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે તેમાં સુધારો કરવામાં આવશે, જેથી કરદાતાઓને લાભ મળે.
- જનવિશ્વાસ સંશોધન બિલ
આ બિલનો હેતુ નાના ગુનાઓ અથવા પ્રક્રિયાગત ઉલ્લંઘનોને ફોજદારી શ્રેણીમાંથી દૂર કરવાનો અને તેમને વહીવટી દંડમાં રૂપાંતરિત કરવાનો છે, જેથી નાગરિકો અને ઉદ્યોગપતિઓમાં સરકાર પર વિશ્વાસ વધે.
- ખાણ અને ખનીજ સુધારા બિલ
આ બિલમાં ખનિજ સંસાધનોના શોષણ, ફાળવણી અને વ્યવસ્થાપનને સરળ બનાવવા તેમજ રોકાણને પ્રોત્સાહન આપવાના પગલાંનો સમાવેશ થશે.
આ સાથે આઠ જૂના બિલ પણ એજન્ડામાં છે
આ નવા બિલો ઉપરાંત આઠ એવા બિલ છે જે સંસદમાં પહેલાથી જ પેન્ડિંગ છે. સરકાર આ સત્રમાં તેમને પસાર કરાવવાનો પણ પ્રયાસ કરશે. આમાં સૌથી મહત્વપૂર્ણ આવકવેરા બિલ 2025 અને ભારતીય પોર્ટ્સ બિલ છે, જે દેશની આર્થિક અને પોર્ટ્સ વ્યવસ્થા સાથે સંબંધિત છે.





















