MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ ચાલુ છે અને તેની અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. આ સાથે નદીઓ, નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ ચાલુ છે અને તેની અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. આ સાથે નદીઓ, નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ઘણા પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી લઈને ભારે વરસાદ ચાલુ છે. સોમવારે રાત્રે રાજધાની ભોપાલ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો.
રાજધાની સહિત ઘણા વિસ્તારોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. મંગળવારે પણ ઘણી જગ્યાએ વરસાદી માહોલ ચાલુ રહ્યો હતો. તેવી જ રીતે રાજ્યના ઘણા ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો.
કોલાર બંધ સહિત અન્ય બંધોના પાણીનું સ્તર પણ વધ્યું
રાજ્યના મોટાભાગના બંધોના પાણીનું સ્તર વધી રહ્યું છે અને ઘણી જગ્યાએ પાણીના નિકાલ માટે દરવાજા પણ ખોલવા પડ્યા છે. રાજધાનીની વાત કરીએ તો, અહીંના મોટા તળાવના પાણીનું સ્તર વધ્યું છે, કોલાર બંધ સહિત અન્ય બંધોના પાણીનું સ્તર વધ્યું છે.
શિવપુરીમાં સ્થિતિ એવી છે કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને મગરો પણ રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અસરગ્રસ્ત પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.
આગામી 24 કલાકમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અને એક ટ્રફ લાઇન પસાર થઈ ગઈ છે. આ કારણે, રાજ્યના ગ્વાલિયર, શિવપુરી, મુરેના, ભિંડ, દંતિયા, શ્યોપુર, ટીકમગઢ વગેરેમાં ભારે વરસાદ પડી શકે છે. રાજગઢ, શાજાપુર, દેવાસ, સિઓની, નરસિંહપુર, જબલપુર વગેરે સ્થળોએ પણ ભારે વરસાદ પડી શકે છે.
આ વર્ષે દેશમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરુઆત થઈ છે. જૂન મહિનાથી જ દેશના અનેક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.





















