Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Vinesh Phogat: નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા બુધવારે (25 સપ્ટેમ્બર) વિનેશ ફોગાટને નોટિસ આપવામાં આવી છે. વિનેશને 14 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
Vinesh Phogat NADA Notice: ભૂતપૂર્વ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ હાલમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. વિનેશે પેરિસ ઓલિમ્પિક 2024 પછી કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. નિવૃત્તિ પછી, તેણી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ અને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી. આ તૈયારીઓ વચ્ચે, બુધવારે (25 સપ્ટેમ્બર) નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા વિનેશને નોટિસ આપવામાં આવી હતી. વિનેશને 14 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
વિનેશ ફોગાટે કુસ્તી છોડી દીધી છે
તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્દભવી રહ્યો હશે કે વિનેશ ફોગાટે કુસ્તી છોડી દીધી છે, તો પછી તેને ડોપ ટેસ્ટ આપવાની જરૂર કેમ પડી? તો અમે તમને જણાવી દઈએ કે NADA ના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં નોંધાયેલા તમામ એથ્લેટ્સે ડોપ ટેસ્ટ માટે તેમની હાજરીની વિગતો આપવી જરૂરી છે. વિનેશ પણ આ પૂલનો એક ભાગ છે.
જો રમતવીર ડોપિંગ ટેસ્ટ માટે આપેલી વિગતોમાં દર્શાવેલ જગ્યાએ હાજર ન હોય તો તેના ઠેકાણા વિશે માહિતી આપવામાં નિષ્ફળતા ગણવામાં આવે છે. 9 સપ્ટેમ્બરે વિનેશ સોનીપતના ખરૌડા ગામમાં તેના ઘરે ડોપ ટેસ્ટ માટે હાજર ન હતી.
વિનેશે 14 દિવસમાં જવાબ આપવાનો રહેશે
NADA ની નોટિસમાં કેહવામાં આવ્યું છે કે, તમને એક ઔપચારિક નોટિસ જારી કરવામાં આવે છે જેમાં તમને ડોપિંગ વિરોધી નિયમો હેઠળ સ્થળની માહિતીની આવશ્યકતાઓનું પાલન કરવામાં તમારી સ્પષ્ટ નિષ્ફળતાની જાણ કરવામાં આવે છે. આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં, તમને આ અંગે સ્પષ્ટતા આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે,એક ડોપ કંટ્રોલ ઓફિસરને તે સમયે તમારો ટેસ્ટ કરવા માટે સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. જો કે, અધિકારી તમને ટેસ્ટ માટે શોધવામાં નિષ્ફળ ગયા કારણ કે તમે ત્યાં હાજર ન હતા.
વિનેશ ફોગાટ રાજનીતિમાં કેમ આવી ?
વિનેશ ફોગાટે કહ્યું, "2024 ઓલિમ્પિક પછીના સંજોગોએ મને આ નિર્ણય (ચૂંટણી લડવા) માટે પ્રેરિત કરી. લોકોએ માંગ કરી કે હું તેમના અને તેમના બાળકો માટે મારી અંદરના યોદ્ધાને જીવંત રાખું." તેમણે સમજાવ્યું કે તેમનો નિર્ણય હાઈ-પ્રૉફાઈલ કુસ્તીબાજોના વિરોધ પછી ન્યાય માટે તેમની અથાક લડતથી પ્રેરિત હતો, જે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ એ ટોચના કુસ્તીબાજોમાં સામેલ હતા જેઓ ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણસિંહના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના પર અનેક મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
વિનેશ ફોગાટે કહ્યું, "અમે રસ્તાઓ પર લડ્યા, અમને શું મળ્યું? અમને અપમાન અને દુર્વ્યવહાર સિવાય કંઈ નથી મળ્યું. હું ઓલિમ્પિકમાં ગઇ. શું મને ન્યાય મળ્યો? કંઈ નથી. અમને ક્યારેય ન્યાય નથી મળ્યો. રાજકારણમાં પ્રવેશ કરવો એ કોઈ પસંદગી નહોતી પરંતુ એક આવશ્યકતા હતી."
આ પણ વાંચો...