New Parliament Building: નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહમાં કોણ કોણ થશે સામેલ ? , કઇ પાર્ટીઓ કરી રહી છે વિરોધ ?
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે (28 મે)ના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે
Parliament Building Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે)ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રમમાં કાર્યક્રમમાં ભાગ લેનાર મહેમાનોની યાદી પણ બહાર આવી છે. આ માટે પૂર્વ સ્પીકર અને લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ સહિત ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે (28 મે)ના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના સાંસદોને ફિઝિકલ અને ડિજિટલ સ્વરૂપે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આ મહાનુભાવોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું
આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “બંને ગૃહોના સભ્યો ઉપરાંત, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર્સ અને રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષોને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા છે. તમામ મુખ્યમંત્રીઓને પણ ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજ્યસભાના વર્તમાન ઉપસભાપતિ હરિવંશ આ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નવા સંસદભવનના મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ અને ઉદ્યોગપતિ રતન ટાટાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ટાટા પ્રોજેક્ટ્સે આ સંસદભવનના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ લીધો હતો. તે કેન્દ્રની સેન્ટ્રલ વિસ્ટા પુનઃવિકાસ યોજનાઓનો પણ એક ભાગ હતો. આ સાથે ફિલ્મી હસ્તીઓ અને ખેલાડીઓ સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અભિનંદન સંદેશ આપશે
સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આ પ્રસંગે અભિનંદન સંદેશ મોકલે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવનમાં ભાષણ આપશે અને પીએમ મોદી ભાષણ આપે તેવી શક્યતા છે. સંસદના તમામ સભ્યો માત્ર લોકસભા ચેમ્બરમાં જ બેસશે. આ હોલમાં 800 થી વધુ લોકો બેસી શકે છે.
કયા પક્ષો વિરોધ કરી રહ્યા છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ઘણી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. આ પક્ષોની માંગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદ્ઘાટન કરવું જોઈએ. કોંગ્રેસ સહિત 21 વિરોધ પક્ષોએ તેનો બહિષ્કાર કર્યો છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે), સમાજવાદી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), સીપીઆઈ, કેરળ કોંગ્રેસ (મણિ), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ, NCP, CPI(M), RJD, AIMIM, AIUDF, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)નો સમાવેશ થાય છે.