Nikki Yadav Case : નિક્કી યાદવ કેસમાં વધુ એક ખુલાસો, રહસ્યમય વ્યક્તિના નામથી સનસની
આઈપીસીની કલમ 120બી, 201, 202 અને 212 હેઠળ આ તમામ પર એફઆઈઆર નોંધવામાં આવી છે.
Nikki Yadav Murder Case :દિલ્હીના નિક્કી યાદવ હત્યા કેસમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. નિક્કી યાદવ મર્ડર કેસમાં ચાલી રહેલી તપાસ વચ્ચે સહ-આરોપી નવીન નામના વ્યક્તિનું નામ સામે આવ્યો છે. નવીન કે જે સાહિલનો સંબંધી પણ છે. નવીન દિલ્હી પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ હોવાનું ખુલ્યું છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી છે તે નવીન પણ પાંચ આરોપીઓમાંનો એક છે. નવીન પણ નિક્કી હત્યાકાંડમાં શામેલ હોવાના અહેવાલ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્ય આરોપી સાહિલના પિતા વીરેન્દ્ર સિંહ, બે પિતરાઈ ભાઈઓ આશિષ અને નવીન અને સાહિલ ગેહલોતના બે મિત્રો અમર અને લોકેશ સહિત તમામ પાંચ સહ-આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. હત્યાના સંબંધમાં નવીનની ભૂમિકા જાણવા મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આઈપીસીની કલમ 120બી, 201, 202 અને 212 હેઠળ આ તમામ પર એફઆઈઆર નોંધવામાં આવી છે.
પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી સાહિલે લાંબી પૂછપરછ કર્યા બાદ ખુલાસો કર્યો હતો કે, મૃતક નિક્કી યાદવ તેને બીજી છોકરી સાથે લગ્ન ન કરવા કહેતી હતી. કારણ કે નિક્કી તેની પત્ની હતી અને તેની લિવ-ઇન પાર્ટનર નહીં. તેણે વધુમાં જણાવ્યું હતું કે, બંનેએ વર્ષ 2020માં જ લગ્ન કરી લીધા હતા. તેથી તેણીએ તેને (સાહિલ)ને વિનંતી કરી કે, તેણીના પરિવાર દ્વારા 10 ફેબ્રુઆરીએ અન્ય છોકરી સાથે લગ્નની ગોઠવણ ન કરે.
ત્યાર બાદ તેણે ષડયંત્ર રચ્યું અને નિક્કીની હત્યા કરવાની યોજના બનાવી હતી. યોજનાને અંજામ આપ્યા બાદ સાહિલે હત્યાના એ જ દિવસે, 10 ફેબ્રુઆરીએ અન્ય સહ-આરોપીઓને તેની જાણ કરી હતી અને પછી તે બધા લગ્ન સમારોહમાં હાજર થયો હતો.
સહ આરોપીઓમાં સાહિલના પિતાનો પણ શામેલ
દિલ્હી પોલીસે આ હત્યામાં સંડોવણી બદલ મુખ્ય આરોપી ગેહલોતના પિતાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સાહિલ ગેહલોત ઉપરાંત દિલ્હી પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. ષડયંત્રમાં મદદ કરવા બદલ તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, સાહિલના પિતા વીરેન્દ્ર સિંહની ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેઓ જાણતા હતા કે તેમના પુત્રએ કથિત રીતે નિકીની હત્યા કરી છે. તેમની સામે IPC કલમ 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.