Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત વહેલી થઈ હતી. જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Rain Alert: રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરુઆત વહેલી થઈ હતી. જૂન મહિનાથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રમાણે 26 જુલાઈએ શનિવારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
27 જુલાઈ રવિવારે પણ ભારે વરસાદનું અનુમાન છે. ભારે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. આ સિવાય આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે.
મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.6 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.
સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન
હવામાન વિભાગે વલસાડ, નવસારી,સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય આ રાઉન્ડમાં એટલે કે 26થી 29 જુલાઇ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે.
આગામી પાંચ દિવસ હળવાથી લઈ માધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26 થી 29 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે.





















