Nipah Virus: કેરળમાં નિપા વાયરસ મળતાં મોદી સરકાર પણ એક્શનમાં, આરોગ્ય મંત્રી માંડવિયાએ શું કર્યું મોટું એલાન ?
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, દુર્ભાગ્યવશ છોકરાનું સવારે 5 વાગ્યે મોત થયું છે. તેની હાલત ગઈકાલ રાતથી જ નાજુક હતી.
નવી દિલ્હીઃ કેરળમાં નિપા વાયરસથી 12 વર્ષના બાળકનું મોત થતાં મોદી સરકાર એકશનમાં આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેરળમાં પબ્લિક હેલ્થ અને ટેકનિકલ સપોર્ટ માટે કેન્દ્રીય ટીમ મોકલવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે.
કેરળના કોઝિકોડ જિલ્લામાં 3 સપ્ટેમ્બરે નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે આજે જણાવ્યું કે, નિપાહ વાયરસથી સંક્રમિત 12 વર્ષના બાળકનું એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકના શરીરમાંથી નમૂના લેવાયા હતા, જેને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ હતી.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, દુર્ભાગ્યવશ છોકરાનું સવારે 5 વાગ્યે મોત થયું છે. તેની હાલત ગઈકાલ રાતથી જ નાજુક હતી. અમે ગઈકાલે રાતે એક ગ્રુપ બનાવ્યું હતું અને બાળકના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું શરૂ કર્યું હતું. બાળકના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ કરવા પગલા ભરવાનું શરૂ કરૂ દેવાયું છે.
Nipah virus has been detected in the Kozhikode district of Kerala.
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 5, 2021
Central Government has rushed a team to Kerala to support the State in public health measures and provide technical support.https://t.co/DAetTt3yL6
કેરળમાં કોરોનાની શું છે સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,682 કેસ અને 142 લોકોના મોત થયા છે. હાલ કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,50,619 છે. જ્યારે 39,09,096 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 21,422 લોકોના કોવિડથી મોત થયા છે.
કેરળમાં ક્યારે નોંધાયો હતો નિપાહ વાયરસનો કેસ
કેરળના કોઝિકોડમાં 19 મે, 2018ના રોજ નિપાહ વાયરસનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. 1 જૂન 2018 સુધીમાં આ સંક્રમણના 18 મામલા નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહના કારણે 12 લોકોના મોત બાદ વિશેષજ્ઞોએ ચામાચીડિયાના નમૂના એકત્ર કર્યા હતા. જે બાદ ફ્રૂટ બૈટ પ્રજાતિના ચામાચીડિયાને ઘાતક વાયરસના વાહક રૂપમાં ઓળખવામાં આવ્યા હતા.
કેવી રીતે ફેલાય છે આ વાયરસ
નિષ્ણાતોના કહેવા મુજબ નિપાહ વાયરસ હવા દ્વારા ફેલાતો નથી. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તેના ફેલાવાનું મુખ્ય કારણ સામાન્ય વ્યક્તિનું પીડિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાનું છે.
શું છે નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસનાં મુખ્ય લક્ષ્ણ માથાનો દુઃખાવો, તાવ, ચક્કર આવવા, ઉંઘ આવવી અને માનસિક સંતુલન બગડવું છે. આ લક્ષ્ણો 7-10 દિવસ સુધી રહી શકે છે. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નિપાહ વાયરસ ફેલાવાની શરૂઆત મગજથી થાય છે. વાયરસનો ભોગ બનનાર વ્યક્તિના મગજમાં સોજો આવવા લાગે છે. જેના કારણે થોડા દિવસો સુધી તાવ આવે છે. ઉપરાંત ચક્કર આવવા અને મગજ બરાબર કામ ન કરતું હોય તેમ લાગે છે. ઘણી કેસમાં મગજમાં બળતરા પણ થાય છે.