RSS ની તુલના તાલિબાન સાથે કરનારા જાવેદ અખ્તર સામે કયો ગુનો નોંધાયો ? જાણો વિગત
મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં જાવેદ અખ્તર સામે નોન કૉગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ એક વકીલે નોંધાવી છે.

મુંબઈઃ બોલિવૂડના જાણીતા ગીતકાર, શાયર, લેખક જાવેદ અખ્તર ફરીથી વિવાદમાં છે. તેમણે એક મહિના પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની તુલના તાલિબાન સાથે કરી હતી. જે બાદે તેમનો વિરોધ થઈ રહ્યો હતો. આ સંદર્ભે મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં તેમની સામે નોન કૉગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ એક વકીલે નોંધાવી છે.
Mumbai | Mulund Police has registered a non-cognizable offense against lyricist Javed Akhtar for his alleged statement comparing RSS with Taliban. The complaint was filed by a lawyer.
— ANI (@ANI) October 4, 2021
જાવેદ અખ્તરે શું કહ્યું હતું
એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, “આરએસએસનું સમર્થન કરનારાની માનસિકતા પણ તાલિબાનીઓ જેવી છે. આરએસએસનું સમર્થન કરનારાએ આત્મ પરીક્ષણ કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું, તમે જેનું સમર્થન કરી રહ્યા છે તેમાં અને તાલિબાનમાં શું અંતર છે ? તેઓ મજબૂત થઈ રહ્યા છે અને પોતાના ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યા છે. બંનેની માનસિકતા એક જેવી છે.” તેમના આ નિવેદનનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
જાવેદ અખ્તર આરએસએસની માફી માંગેઃ ભાજપ
ભાજપ પ્રવક્તા રામ કદમે તે સમયે કહ્યું કે, જાવેદ અખ્તરે સંગઠનની તાલિબાન સાથે તુલના કરવાના નિવેદન બદલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની માફી માંગવી જોઈએ. રામ કદમે ચેતવણી આપતાં કહ્યું કે, તેઓ જ્યાં સુધી સંઘના પદાધિકારીઓની હાથ જોડીને માફી નહીં માગે ત્યાં સુધી તેમની કોઈપણ ફિલ્મ ભારતમાં નહીં ચાલવા દઈએ. રામ કદમે કહ્યું કે, જાવેદ અખ્તરનું આ નિવેદન ન માત્ર શરમજનક છે પરંતુ આરએસએસના કરોડો કાર્યકર્તાઓ માટે દર્દનાક અને અપમાનજનક છે. લેખકે વિશ્વભરમાં આરએસએસની વિચારધારાનું પાલન કરતાં કરોડો લોકોને અપમાનિત કર્યા છે. ટિપ્પણી કરતાં પહેલા તેમણે વિચારવું જોઈતું હતું.





















