Norovirus: હવે, કેરળમાં મળ્યો નવો વાયરસ, ડઝનેક વિદ્યાર્થીઓ સંક્રમિત, જાણો કેવી રીતે ફેલાય છે?
ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.
![Norovirus: હવે, કેરળમાં મળ્યો નવો વાયરસ, ડઝનેક વિદ્યાર્થીઓ સંક્રમિત, જાણો કેવી રીતે ફેલાય છે? Norovirus outbreak confirmed in Kochi school Norovirus: હવે, કેરળમાં મળ્યો નવો વાયરસ, ડઝનેક વિદ્યાર્થીઓ સંક્રમિત, જાણો કેવી રીતે ફેલાય છે?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/24/b47cd5b8a0986def0798cdb9105e3281167452368660674_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Norovirus In Kerala: કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ હવે કેરળમાં વધુ એક વાયરસ ફેલાવા લાગ્યો છે. કક્કનાડની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓની તબિયત બગડી ત્યારે તપાસમાં બહાર આવ્યું હતું કે તેઓ વાયરસથી સંક્રમિત થયા છે. ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) અનુસાર, બાળકોમાં નોરોવાયરસની પુષ્ટી થઈ છે.
કેરળના કક્કનાડમાં વધુ એક વાયરસનો ચેપ
કક્કનાડ ડીએમઓએ જણાવ્યું હતું કે ખાનગી શાળાના પ્રાથમિક વર્ગના બાળકોમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ રોગ (નોરોવાયરસ)ની પુષ્ટી થઈ હતી. તેમણે જણાવ્યું કે ચેપના લક્ષણો મળ્યા બાદ ધોરણ 1 અને વર્ગ 2ના 62 વિદ્યાર્થીઓ અને કેટલાક માતા-પિતાના નમૂના સ્ટેટ પબ્લિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 2 સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે જ 3 બાળકોની સારવાર ચાલી રહી છે.
ધોરણ 1 થી 5 ના બાળકોને રજા આપવામાં આવી હતી
ડીએમઓએ કહ્યું કે નોરોવાયરસથી ચેપગ્રસ્ત બાળકોની સ્થિતિ ચિંતાજનક નથી, જો કે, શાળાએ ધોરણ 1 થી 5 ના બાળકો માટે રજા જાહેર કરી છે. જીલ્લા વહીવટીતંત્રે વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને જાગૃતિના પગલાં ભર્યા હતા. ઓનલાઈન જાગૃતિ વર્ગો યોજવામાં આવી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે શાળામાં રોગ ફેલાયો છે ત્યાં વર્ગખંડો અને શૌચાલયોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. લોકોને જાગૃત રહેવા અને પીવાના પાણીના સ્ત્રોત સ્વચ્છ હોવા જોઈએ તેની ખાતરી કરવા વિનંતી કરી છે. ડીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સારવાર અને સાવચેતીથી આ રોગ ટૂંક સમયમાં મટી શકે છે.
નોરોવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
નિષ્ણાતોના મતે, નોરોવાયરસ એક ચેપી વાયરસ છે જે ઉલટી અને ઝાડાનું કારણ બને છે. સામાન્ય લક્ષણોમાં લો-ગ્રેડનો તાવ અથવા શરદી, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવોનો સમાવેશ થાય છે. વાયરસ સામાન્ય રીતે તંદુરસ્ત લોકોને અસર કરતો નથી, પરંતુ તે નાના બાળકો, વૃદ્ધો માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
નોરોવાયરસ દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાઈ શકે છે. ચેપગ્રસ્ત લોકો સાથે સીધો સંપર્ક પણ તેના રોગનું કારણ બની શકે છે. તે ચેપગ્રસ્ત લોકોના મળ અને ઉલટી દ્વારા પણ ફેલાઈ શકે છે.
ચેપ લાગે તો કેવી રીતે રક્ષણ કરવું?
ચેપગ્રસ્ત લોકોને ડૉક્ટરની સૂચના અનુસાર ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. તેઓએ પુષ્કળ પ્રમાણમાં ઉકાળેલું પાણી અને ઓઆરએસનું સેવન કરવું જોઈએ. જરૂર પડે તો સારવાર લેવી જોઇએ. સંક્રમિત વ્યક્તિએ સ્વસ્થ થયાના બે દિવસ પછી જ બહાર જવું જોઈએ, કારણ કે તે દરમિયાન વાયરસ ફેલાઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)