IPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચ
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર! ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPLની 18મી સીઝન 22 માર્ચ 2025 થી શરૂ થશે અને 25 મેના રોજ ફાઈનલ મેચ રમાશે. ઉદ્ઘાટન મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે કોલકાતાના પ્રખ્યાત ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટક્કર થશે.
આ રોમાંચક ટૂર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે અને દેશના 13 અલગ-અલગ શહેરોમાં કુલ 74 મેચો રમાશે. આ વખતે 12 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) પણ જોવા મળશે. બપોરની મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે સાંજના મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પ્રથમ ડબલ હેડર 23 માર્ચે રમાશે, જેમાં પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે હૈદરાબાદમાં બપોરે રમાશે. ત્યારબાદ સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) જેવી બે સૌથી સફળ ટીમો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે.




















