Operation Sindoor: પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો હતો હુમલાનો પ્રયાસ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Operation Sindoor: અમૃતસરનું સુવર્ણ મંદિર પણ પાકિસ્તાનના નિશાના પર હતું, પરંતુ ભારતીય સેનાએ તેના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો

Operation Sindoor: ભારતે ઓપરેશન સિંદૂર દ્ધારા પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓને પાઠ ભણાવ્યો, પરંતુ પાકિસ્તાને હજુ પણ પોતાની ગતિવિધિઓ બંધ કરી ન હતી. તેણે 7 અને 8 મેની રાત્રે દેશના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમૃતસરનું સુવર્ણ મંદિર પણ પાકિસ્તાનના નિશાના પર હતું, પરંતુ ભારતીય સેનાએ તેના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને ભારત પર અનેક ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા. જોકે, ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
સોમવારે સેનાએ એક પ્રદર્શન કર્યું કે કેવી રીતે આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી સુરક્ષિત રાખ્યા હતા.
પાકિસ્તાનનું નિશાન સુવર્ણ મંદિર હતું
15મી ઇન્ફ્રેન્ટ્રી ડિવીઝનના જીઓસી (જનરલ ઓફિસર કમાન્ડિંગ) મેજર જનરલ કાર્તિક સી શેષાદ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સેનાને પાકિસ્તાન દ્વારા અહીં લશ્કરી ઠેકાણાઓ તેમજ નાગરિકો અને સુવર્ણ મંદિર જેવા ધાર્મિક સ્થળો સહિત અગ્રણી સ્થળોને નિશાન બનાવવાની ચાલને સમજી લીધી હતી.
Indian Army foils Pakistan's Drone attack on Golden Temple with precision
— ANI Digital (@ani_digital) May 19, 2025
Read @ANI Story | https://t.co/5TUFI0u4NH#India #Pakistan #GoldenTemple #IndianArmy pic.twitter.com/dtxcybRda9
ANIના અહેવાલ મુજબ, મેજર જનરલ કાર્તિક સી સેશાદ્રીએ પાકિસ્તાનના નાપાક કૃત્યનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી સેનાએ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાને નાગરિકો તેમજ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતીય સેનાએ પાકિસ્તાની મિસાઇલો તોડી પાડી
8 મેની સવારે પાકિસ્તાને મોટી સંખ્યામાં મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મેજર જનરલ કાર્તિકે કહ્યું હતું કે, "પાકિસ્તાને હવાઈ હુમલાઓ વધુ ઝડપી કરી દીધા હતા. ડ્રોનની સાથે તેણે લાંબા અંતરની મિસાઇલોનો પણ ઉપયોગ કર્યો હતો. અમે સંપૂર્ણપણે તૈયાર હતા અને તેના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. પાકિસ્તાને સુવર્ણ મંદિર પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો, અમે તે બધાને તોડી પાડ્યા હતા."
મેજર જનરલ શેષાદ્રીએ કહ્યું કે અમને ખબર હતી કે પાકિસ્તાની સેના પાસે કોઈ કાયદેસર લક્ષ્યો નથી, અમને અંદાજ હતો કે તેઓ ભારતીય લશ્કરી મથકો, નાગરિકો, જેમાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે, તેને નિશાન બનાવશે. આમાંથી સુવર્ણ મંદિર સૌથી પ્રમુખ હતું. અમે સુવર્ણ મંદિરના રક્ષણ માટે એક વધારાની એર ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરી હતી.
શેષાદ્રીએ કહ્યું કે 8 મેની વહેલી સવારે પાકિસ્તાને માનવરહિત હવાઈ શસ્ત્રો, મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. અમે સંપૂર્ણપણે તૈયાર હતા કારણ કે અમને આની પહેલાથી જ અપેક્ષા હતી. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોક ડ્રીલ દરમિયાન પહેલીવાર સુવર્ણ મંદિરની લાઈટો બંધ કરવામાં આવી હતી.




















