મિસાઇલો અંધારામાં પણ લક્ષ્ય શોધી શકતી હોવા છતાં હવાઈ હુમલા સમયે 'બ્લેકઆઉટ' કેમ કરવામાં આવે છે?
દુશ્મન દેશ તરફથી હુમલાના ખતરા સમયે બ્લેકઆઉટ એક સુરક્ષા પ્રક્રિયા, શહેરની તમામ લાઈટો બંધ કરાય છે, અંધારામાં દુશ્મન ડ્રોન-વિમાનને લક્ષ્ય ઓળખવામાં મુશ્કેલી પડે છે.

What is a blackout missile: આજના અત્યાધુનિક યુગમાં જ્યારે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), સેટેલાઈટ સર્વેલન્સ અને ઇન્ફ્રારેડ સેન્સર જેવી ટેકનોલોજીથી રાત્રિના અંધારામાં પણ લક્ષ્યોને શોધી શકાય છે, ત્યારે દુશ્મન દેશ તરફથી સંભવિત મિસાઈલ કે હવાઈ હુમલાના ખતરા સમયે શહેરોમાં 'બ્લેકઆઉટ' કેમ કરવામાં આવે છે તેવો પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઉદ્ભવે છે. તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ (પહેલગામ હુમલા અને તેના જવાબમાં થયેલી કાર્યવાહીના સંદર્ભમાં) દરમિયાન પણ આવા સુરક્ષા પગલાંની ચર્ચા થઈ હતી.
બ્લેકઆઉટ શું છે?
બ્લેકઆઉટ એ એક સુરક્ષા પ્રક્રિયા છે જે દુશ્મન દેશ તરફથી ફાઇટર જેટ, બોમ્બર વિમાન કે ડ્રોન દ્વારા હવાઈ હુમલાનો ખતરો હોય ત્યારે લાગુ કરવામાં આવે છે. આ પ્રક્રિયા હેઠળ, શહેરની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવે છે, જેમાં ઘરની લાઇટો, દુકાનો, ઓફિસો અને વાહનોની લાઇટોનો પણ સમાવેશ થાય છે. સંવેદનશીલ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોને સંપૂર્ણપણે અંધારાવાળા કરી દેવામાં આવે છે. બ્લેકઆઉટનો મુખ્ય હેતુ એ છે કે દુશ્મનના વિમાન, ડ્રોન કે મિસાઈલ પ્રકાશ અથવા અન્ય કોઈ વિઝ્યુઅલ સંદર્ભ જોઈ ન શકે, જેથી તેઓ સચોટ બોમ્બમારો કે અન્ય કોઈ હુમલો કરી ન શકે.
બ્લેકઆઉટ દરમિયાન શું કરવું જોઈએ?
બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જરૂરી છે. આ સમય દરમિયાન ઘર, દુકાન, ઓફિસ જેવી બધી જગ્યાઓની લાઇટ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. રસ્તા પરના વાહનોને રોકવા અને તેમના એન્જિન અને હેડલાઇટ પણ બંધ કરી દેવામાં આવે છે. કટોકટી સેવાઓ સિવાય, બધા વાહનોને રોકી દેવામાં આવે છે. ઘરોની બારીઓ અને દરવાજા કાળા કે જાડા પડદાથી ઢાંકી દેવાની સલાહ આપવામાં આવે છે જેથી અંદરની લાઇટ બહાર ન જાય. લોકોને ઘરની અંદર અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાય છે. સાયરન વગાડીને લોકોને ચેતવણી આપવામાં આવે છે અને આ સમય દરમિયાન પોલીસ તથા સેનાનું પેટ્રોલિંગ વધારી દેવાય છે અને તેઓ હાઈ એલર્ટ મોડ પર હોય છે.
GPS અને સેટેલાઈટના યુગમાં બ્લેકઆઉટની જરૂર કેમ?
આધુનિક ટેકનોલોજીથી સજ્જ મિસાઈલો અને ડ્રોન GPS અને સેટેલાઈટની મદદથી લક્ષ્યના ભૌગોલિક સ્થાન સુધી પહોંચી શકે છે. જોકે, સચોટતા માટે ઘણી વાર વિઝ્યુઅલ કન્ફર્મેશન, ઇન્ફ્રારેડ સેન્સર કે અન્ય સર્વેલન્સ ઉપકરણોની જરૂર પડે છે. બ્લેકઆઉટ દરમિયાન, જ્યારે શહેર સંપૂર્ણપણે અંધારામાં ડૂબી જાય છે, ત્યારે દુશ્મનના વિડિયો કેમેરા, અન્ય સર્વેલન્સ ઉપકરણો અને ઇન્ફ્રારેડ સેન્સર માટે જમીન પરના લક્ષ્યોને ઓળખવા, અલગ પાડવા અને તેના પર લોક કરવા અત્યંત મુશ્કેલ બની જાય છે. GPS માત્ર સ્થાન બતાવી શકે છે, પરંતુ સંપૂર્ણ અંધારામાં ચોક્કસ ઓળખ અને લક્ષ્ય પર સચોટ પ્રહાર શક્ય નથી બનતો. ઉપગ્રહો અમુક હદ સુધી ડેટા પ્રદાન કરી શકે છે, પરંતુ અંધારામાં સિગ્નલ મર્યાદિત અને નબળા બની જાય છે, જેના કારણે દુશ્મનને પોતાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં ઓછો ફાયદો થાય છે અને હુમલાની ચોકસાઈ ઘટે છે.





















