(Source: ECI/ABP News/ABP Majha)
સંસદીય સમિતિએ facebook અને googleને કહ્યુ- ભારતના નિયમો અને કાયદાનું પાલન કરો
Parliamentary panel IT Rules:ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ ફેસબુક અને ગુગલને ભારતના કાયદાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા.ફેસબુક અને ગુગલના અધિકારીઓ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા
નવી દિલ્હીઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) ફેસબુક અને ગુગલ (Facebook & Google)ને નવા આઇટી નિયમો અને ભારતના કાયદાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. ફેસબુક અને ગુગલના વરિષ્ઠ અધિકારીઓ મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતા, જેમાં 'નાગરિકોના અધિકારની સુરક્ષા અને ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગને રોકવા માટેના પોતાના મત રજૂ કર્યા હતા. સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસના નેતા ડો.શશી થરૂરે કરી હતી. મહત્વનું છે કે નવા આઇટી નિયમોને લઇને સંસદીય સમિતિએ ફેસબુક અને ગુગલના અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.
સમિતિના સભ્યોએ ફેસબુક પર વ્યક્તિગત ડેટા અને મહિલાઓની સલામતીના મુદ્દા ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ ફેસબુકના અધિકારીઓને ડેટા લીક અને મહિલાઓની સુરક્ષા મામલે પૂછપરછ કરી હતી. ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દુરુપયોગ મામલે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ફેસબુક ઇન્ડિયા અસોસિયેટ જનરલ કાઉન્સેલ નમ્રતા સિંઘ અને કંપનીના ડિરેક્ટર ઓફ પબ્લિક પોલિસી શિવનાથ ઠુકરાલે સમિતિ સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી
ફેસબુકના અધિકારીઓએ સમિતિએ માહિતી આપી હતી કે ડેટા લીકેજ ફેસબુક પ્લેટફોર્મ મારફતે થઇ રહ્યા નથી પરંતુ અન્ય ડિવાઇસ મારફતે થઇ રહ્યા છે. ગૂગલના અધિકારીઓએ કહ્યું કે, જાન્યુઆરીથી માર્ચ 2021 વચ્ચે યુ-ટ્યુબ પરથી કોમ્યુનિટી ગાઇડલાઇન્સનો ભંગ કરનારા 9.5 મિલિયન વીડિયોને હટાવવામાં આવ્યા હતા. જેમાંથી 95 ટકા વીડિયો અંગે માણસોએ નહી પરંતુ મશીનોએ ચેતવણી આપી હતી. મશીનો દ્ધારા ડિટેક્ટ કરવામાં આવેલા વીડિયોમાંથી 27.8 ટકા વીડિયોમાં એક પણ વ્યૂ નહોતા જ્યારે 39 ટકામાં 1-10 વ્યૂઝ હતા. અધિકારીઓએ સમિતિને કહ્યું કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન યુ-ટ્યુબે પોતાના કોમ્યુનિટી ગાઇડલાઇન્સનો ભંગ કરનારી 2.2 મિલિયનથી વધુ ચેનલોને ખત્મ કરી દીધી છે. આ સમયગાળામાં યુ-ટ્યુબ પરથી એક અબજથી વધુ કોમેન્ટ્સને હટાવી દેવામાં આવી છે. જેમાંથી મોટાભાગની સ્પેમ હતી અને તેને ઓટોમેટિકલી ડિટેક્ટ કરવામાં આવી હતી.