Patra Chawl Scam: કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા
પાત્રા ચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવાયેલા શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.
Patra Chawl Land Scam: પાત્રા ચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવાયેલા શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીએ રવિવારે મુંબઈમાં સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને લગભગ 9 કલાકની પૂછપરછ બાદ શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા હતા. આજે સંજય રાઉત વતી અશોક મુંદરગી અને ED વતી હિતેન વેણેગાંવકરે કોર્ટમાં દલીલો કરી હતી.
EDના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ રાઉતે એક પૈસાનું રોકાણ કર્યું નથી. તેને 112 કરોડ રૂપિયા મળ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને તેમનો પરિવાર રૂ. 1.6 કરોડના લાભાર્થી હતા.
EDના વકીલે શું કહ્યું?
EDના વકીલ એડ હિતેન વેનેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે પૈસા (1.6 કરોડ રૂપિયા)માંથી અલીબાગના કિહિમ બીચ પર જમીન ખરીદવામાં આવી હતી. સપના પાટકરના નામે પ્લોટ લેવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે પ્રવીણ રાઉત સંજય રાઉતનો ફ્રંટ મેન હતો. સંજય રાઉતને 4 વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ માત્ર એક જ વાર એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સંજય રાઉતે પુરાવા સાથે ચેડા કરવાનો અને સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. સંજય રાઉત અને તેમના પરિવારને સીધો ફાયદો મળ્યો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.
પ્રવીણ રાઉતની કંપનીમાંથી પૈસા ટ્રાન્સફર થયાઃ ED
EDએ કહ્યું કે સંજય રાઉત અને વર્ષા રાઉતના ખાતામાં એક વર્ષમાં 1 કરોડ જમા થયા. દાદર ફ્લેટ માટે સંજય રાઉતના ખાતામાં 37 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રવીણ રાઉતની કંપનીમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. સંજય રાઉતે આ પૈસાથી અલીબાગમાં જમીન ખરીદી હતી. 2010-11ની વચ્ચે સંજય રાઉતે અલીબાગમાં 8 જગ્યાઓ પર પત્રા ચાલના પૈસાથી જમીન ખરીદી હતી. 2010-11 વચ્ચે સંજય રાઉતના અનેક વિદેશ પ્રવાસોને પણ નાણાં પૂરાં પાડવામાં આવ્યાં હતાં. 2010-11ની વચ્ચે પ્રવીણ રાઉત વતી સંજય રાઉતને 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તપાસમાં આ વાત સામે આવી છે.