પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે PM મોદીએ તેલ કંપનીઓના CEO સાથે કરી બેઠક
આ અગાઉ પીએમઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ છઠ્ઠી એવી વાર્ષિક વાતચીત છે જે 2016માં શરૂ થઇ હતી. જેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓ સામેલ થાય છે
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફ્રન્સ મારફતે વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના સીઇઓ અને નિષ્ણાંતો સાથે વાતચીત કરી હતી. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, રોસનેફ્ટ (રશિયા)ના અધ્યક્ષ અને સીઇઓ ડોક્ટર ઇગોર સેચિન અને સાઉદી અરામકોના અધ્યક્ષ અને સીઇઓ અમીન નાસર સહિત અન્યએ ભાગ લીધો હતો.
આ અગાઉ પીએમઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ છઠ્ઠી એવી વાર્ષિક વાતચીત છે જે 2016માં શરૂ થઇ હતી. જેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓ સામેલ થાય છે જે આ ક્ષેત્રના પ્રમુખ મુદ્દાઓ અને ભારત સાથે સહયોગ અને રોકાણના સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવે છે.
બે દિવસ સુધી સ્થિર રહ્યા બાદ બુધવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 35 પૈસાનો પ્રતિ લીટર વધારો થયો હતો ત્યારબાદ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 106.19 રૂપિયા અને મુંબઇમાં 112.11 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ છે.
મુંબઇમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 102.89 રૂપિયા જ્યારે દિલ્હીમાં ડીઝલની પ્રતિ લિટર કિંમત 94.92 રૂપિયા થઇ ગઇ છે. આ અગાઉ સતત ચાર દિવસ સુધી પ્રતિ દિવસ 35 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો હતો. દેશમાં સૌથી વધુ પેટ્રોલની કિંમત રાજસ્થાનના ગંગાનગરમાં છે જ્યાં પેટ્રોલ 118.23 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 109.04 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.