PNB Scam: ભાગેડુ મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ ઈન્ટરપોલે પાછી ખેંચી, 13 હજાર કરોડનો લૂંટારો હવે દુનિયામાં ફરશે
ચોક્સીએ તેમની સામે રેડ નોટિસ જારી કરવાની સીબીઆઈની અરજીને પડકારી હતી અને આ કેસને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યો હતો.
Mehul Choksi & Nirav Modi PNB Scam: પંજાબ નેશનલ બેંકમાં રૂ. 13,000 કરોડના કૌભાંડ કેસમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની 'રેડ નોટિસ'માંથી હટાવી દેવામાં આવ્યું છે. ફ્રાન્સના લિયોન શહેરમાં ઇન્ટરપોલ હેડક્વાર્ટરમાં ચોક્સીએ કરેલી અરજીના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. બીજી તરફ સીબીઆઈએ આ ઘટનાક્રમ પર મૌન સેવી લીધું છે.
'રેડ નોટિસ', 195 સભ્યોની રાષ્ટ્ર-રાજ્ય સંસ્થા ઇન્ટરપોલ દ્વારા વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓને પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા સમાન કાનૂની કાર્યવાહી માટે આરોપી વ્યક્તિને શોધવા અને અટકાયત કરવા માટે જારી કરાયેલ 'ચેતવણી' ઉચ્ચતમ સ્તર છે. ઇન્ટરપોલે 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. તે ભારતમાંથી ફરાર થયાના લગભગ 10 મહિના બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી. તે જ વર્ષે, ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી.
ચોક્સીએ CBIની રેડ નોટિસને પડકારી
ચોક્સીએ તેમની સામે રેડ નોટિસ જારી કરવાની સીબીઆઈની અરજીને પડકારી હતી અને આ કેસને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યો હતો. તેની અરજીમાં ચોક્સીએ ભારતમાં જેલની સ્થિતિ, તેની અંગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રિપોર્ટ અનુસાર ચોક્સીની અરજી બાદ મામલો પાંચ સભ્યોની ઇન્ટરપોલ કમિટીની કોર્ટમાં ગયો. આ સમિતિને કમિશન ફોર કંટ્રોલ ફાઇલ્સ કહેવામાં આવે છે. કમિટીએ સુનાવણી બાદ રેડ નોટિસ રદ કરી છે.
ચોક્સી મે 2021માં ડોમિનિકામાં પકડાયો હતો
ચોક્સી મે 2021માં એન્ટિગુઆ અને બાર્બુડામાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. આ પછી તે પાડોશી દેશ ડોમિનિકામાં જોવા મળ્યો હતો. ત્યાં પેશકદમીના આરોપમાં તેની અટકાયત કરવામાં આવી હતી. ચોક્સીના ડોમિનિકામાં પકડાયાના સમાચાર સામે આવ્યા બાદ, ભારતે તેની સામે ઈન્ટરપોલની રેડ નોટિસના આધારે તેને પરત લાવવાના તમામ પ્રયાસો કર્યા. સીબીઆઈ ડીઆઈજી શારદા રાઉતના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ પણ ત્યાં ગઈ હતી, પરંતુ તેના વકીલોએ ડોમિનિકા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ચોકસીને ભારત લાવી શકાયો નથી. ચોક્સીને ત્યાં જેલમાં 51 દિવસની સજા ભોગવ્યા બાદ જુલાઈ 2021માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
ચોક્સી પર નીરવ મોદી સાથે કૌભાંડનો આરોપ છે
તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓ સાથે મળીને 14 હજાર કરોડથી વધુના કૌભાંડનો આરોપ છે. 2011 અને 2018 ની વચ્ચે, નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoU) દ્વારા રકમ વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કૌભાંડમાં ચોક્સી અને નીરવ મોદી બંને વિરુદ્ધ અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી હતી.