પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી: 30 લોકો તણાયાની આશંકા, 2 મૃતદેહ મળ્યા, બચાવ કામગીરી પૂરજોશમાં
રવિવાર હોવાથી કુંડમાલા પર પ્રવાસીઓની ભારે ભીડ, જૂના પુલના જર્જરિત હોવા અને ભારે વરસાદ વચ્ચે સુરક્ષાની અવગણનાનો આક્ષેપ.

Pune bridge collapse 2025: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં રવિવારે (15 જૂન) સાંજે એક મોટી અને કરૂણ દુર્ઘટના બની છે. માવલ તાલુકાના પ્રખ્યાત પર્યટન સ્થળ કુંડમાલા ખાતે ઈન્દ્રાયણી નદી પર બનેલો એક જૂનો પુલ બપોરે લગભગ 3:40 વાગ્યે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના સમયે પુલ પર અને તેની આસપાસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા, જેમાંથી આશરે 25 થી 30 લોકો નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દુર્ઘટનાની વિગતો અને પ્રારંભિક પ્રતિભાવ
રવિવારની રજા હોવાને કારણે કુંડમાલા પર પ્રવાસીઓની ભારે ભીડ હતી. ઘણા લોકો પુલ પર ઉભા રહીને ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે જ પુલનો અડધો ભાગ તૂટી પડ્યો. પુલના જે ભાગમાં પથ્થરોનો ભંગાર પડ્યો, ત્યાંથી પસાર થતા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે અન્ય ઘણા લોકો નદીના પ્રવાહમાં વહી ગયા. પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટની તાલેગાંવ દાભાડે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
બચાવ કામગીરી તેજ બની
દુર્ઘટનાની જાણ થતાં જ NDRFની બે ટીમો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 20 થી 22 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ છે, જેથી ઘાયલોને તાત્કાલિક સારવાર આપી શકાય. સાંજનો સમય હોવાને કારણે અંધારા પહેલા બચાવ કાર્યને ઝડપી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે અંધારા પછી કામગીરીમાં અવરોધ આવી શકે છે. જિલ્લા મુખ્યાલયમાંથી પણ ઘણી ટીમોને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે. નદીના પ્રવાહની દિશામાં આગળના ગામડાઓમાં પણ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. બચાવ માટે બચાવ વાન અને ફાયર ટેન્ડર બોટ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે ભીડ ન કરવા અપીલ કરી છે જેથી બચાવ કાર્યમાં અવરોધ ન આવે.
દુર્ઘટના પાછળના કારણો અને સવાલો:
આ કરુણ ઘટનાએ વહીવટીતંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અહેવાલો મુજબ, આ પુલ જૂનો અને જર્જરિત હતો અને તેની ખરાબ હાલત અંગે અગાઉ પણ વહીવટીતંત્રને ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પુલ પર ઘણો કાટ લાગ્યો હતો અને તેની ક્ષમતા કરતાં વધુ વજન, જેમાં બાઇક સાથે પુલ પર આવેલા લોકો પણ સામેલ હતા, તે આ દુર્ઘટનાનું કારણ બન્યો હોવાનું મનાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી પુણેમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઈન્દ્રાયણી નદીમાં પાણીનો પ્રવાહ પણ ઝડપી હતો. આવા સંજોગોમાં પણ પ્રવાસીઓની સલામતી માટે કોઈ ખાસ પગલાં લેવામાં ન આવતા આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. તણાઈ ગયેલા લોકોમાં ઘણા બાળકો પણ તેમના પરિવાર સાથે રજા ઉજવવા આવ્યા હતા. અહીં એક મંદિર પણ આવેલું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ હાજર હતા.





















