Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધી પર કાર્યવાહી બાદ કોગ્રેસની શું છે આગામી રણનીતિ? ભાજપે પણ બનાવ્યો પ્લાન
લોકસભા સચિવાલયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે
લોકસભા સચિવાલયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. તેમનું નામ પણ હવે લોકસભાની વેબસાઈટ પર દેખાતું નથી. શુક્રવારે (24 માર્ચ) આ સમગ્ર મામલાને લઈને હોબાળો થયો હતો. શાસક પક્ષ ભાજપ સામે વિરોધ પક્ષો કોંગ્રેસ સાથે દેખાયા હતા અને એક અવાજે નિંદા કરી હતી. સાથે જ કોંગ્રેસ અને ભાજપે પણ આ અંગે વધુ રણનીતિ તૈયાર કરી છે. આ સમગ્ર મામલાને લઈને રાહુલ ગાંધી શનિવારે (25 માર્ચ) પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે કોંગ્રેસ કોર્ટમાં જવા અંગે પણ નિર્ણય લેશે.
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ કેરળના વાયનાડની બેઠક શુક્રવારે ખાલી જાહેર કરવામાં આવી હતી. લોકસભાની વેબસાઈટ પર 17મી લોકસભા માટે સાંસદોની યાદીમાં વાયનાડ સીટ ખાલી બતાવવામાં આવી છે. રાહુલ ગાંધી આ બેઠક પરથી ચૂંટાયા હતા. આ સીટ ખાલી થયા બાદ ચૂંટણી પંચ ટેકનિકલ આધાર પર પેટાચૂંટણી કરાવી શકે છે, કારણ કે 2024ની સામાન્ય ચૂંટણીમાં હજુ એક વર્ષથી વધુ સમય બાકી છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ આવતા વર્ષે જૂનમાં સમાપ્ત થશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના અનેક સંભવિત પરિણામો હોઈ શકે છે, જેમાં તેમને આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના એક ભૂતપૂર્વ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "જો ઉચ્ચ અદાલત રાહુલની સજા પર સ્ટે નહીં મૂકે તો તેમને આઠ વર્ષ માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે."
રાહુલ ગાંધી સામે શું પગલાં લેવાયા?
સુરતની એક અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી પર 2019 માં દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ 2 વર્ષ કે તેથી વધુની સજા પર સભ્યપદ રદ થવાની જોગવાઈ છે. હવે, જો રાહુલની સજા ઉપર ઉપલી અદાલત દ્વારા જલદી સ્ટે આપવામાં નહીં આવે, તો શક્ય છે કે આગામી 2 થી 3 અઠવાડિયામાં કેન્દ્રીય ચૂંટણી પંચ વાયનાડમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભા સચિવાલયે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.
વિરોધ પક્ષોએ એક અવાજે નિંદા કરી
રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ વિપક્ષે પણ એકતા દર્શાવી હતી અને સમગ્ર વિપક્ષે એક અવાજે વખોડી કાઢી હતી. તેમાં સમાજવાદી પાર્ટી (SP)ના અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, BRS પ્રમુખ અને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, શિવસેના (બાલા સાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, કેરળના સીએમ પિનરાઈ વિજયન અને શરદ પવાર જેવા નેતાઓ હાજર હતા.
ભાજપે શું કહ્યું?
ભાજપે પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને બે કેન્દ્રીય મંત્રીઓને પક્ષમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરે મોરચો સંભાળ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “રાહુલ ગાંધીએ જાહેર સભામાં વડાપ્રધાનની અટક સાથે અપશબ્દો જોડ્યા હતા. જાતિ શબ્દનો ઉપયોગ કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરત કોર્ટે આ આરોપ પર આપેલા ચુકાદા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતની કાયદો અને વ્યવસ્થા અને લોકતાંત્રિક વ્યવસ્થાથી ઉપર કોઈ નથી.
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રાહુલ ગાંધી કહેતા હતા કે કમનસીબે હું સંસદ સભ્ય છું. જે તેમના માટે દુર્ભાગ્ય હતું, આજે તેમને તેમાંથી પણ આઝાદી મળી છે. વાયનાડના લોકોને પણ રાહત મળી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 13 વર્ષમાં રાહુલ ગાંધીએ માત્ર 21 ચર્ચાઓમાં ભાગ લીધો અને એક પણ પ્રાઈવેટ મેમ્બરનું બિલ રજૂ કર્યું નથી. તેઓ અસંસદીય વ્યવહારનું પ્રતિક છે.
કોંગ્રેસની આગામી રણનીતિ શું છે?
કોંગ્રેસે શુક્રવારે (24 માર્ચ) રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાને લઈને લગભગ 100 નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વધુ વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે વધુ વિગતો આપતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દાને દેશભરમાં લઈ જઈશું કે રાહુલ ગાંધીને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રાના કારણે ભાજપ પરેશાન હતી. રાહુલ ગાંધીને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારત જોડો યાત્રા એક કાર્યક્રમ નહીં પરંતુ આંદોલન બની ગઈ છે.
તેમણે કહ્યું કે અમે તેને જાહેર મુદ્દો બનાવીશું, હાથ સે હાથ જોડો અભિયાન ચાલી રહ્યું છે પરંતુ અમે તેને મુદ્દો બનાવીશું. આ મુદ્દે દેશમાં દેખાવો શરૂ થશે. સોમવારથી દેશના ખૂણે-ખૂણે આ નિર્ણય સામે જોરદાર વિરોધ થશે.
કોંગ્રેસ કોર્ટમાં જશે
કોર્ટમાં જવાની બાબત પર વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે “અમને વિશ્વાસ છે કે અમે દોષિત ઠેરવવા પર સ્ટે લઈશું જે આ અયોગ્યતાના આધારને દૂર કરશે. અમને કાયદામાં પૂરો વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે અમે નજીકના ભવિષ્યમાં વિજયી બનીશું."