Rahul Gandhi : સંસદનું પદ જતા હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ? 2024માં શું થશે?
Rahul Gandhi News: નોટિફિકેશન જાહેર થયા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે, હવે રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે?
Rahul Gandhi News: વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આજે લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી હતી. સચિવાલયે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 2019માં માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેઓ સંસદના સભ્ય નહીં રહે.
નોટિફિકેશન જાહેર થયા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે, હવે રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે? રાહુલ ગાંધી આ મામલામાંથી બહાર આવી શકે તેવા કયા રસ્તા છે? કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે, દોષિત ઠર્યા બાદ કોંગ્રેસના સાંસદ આપોઆપ જ ગેરલાયક ઠર્યા હતા. જ્યારે કેટલાક નિષ્ણાતોનું કહવું છે કે, જો તેઓ સજાને પલટવામાં સફળ થાશે તો આ કાર્યવાહીને અટકાવી શકાય છે. તો ચાલો જાણીએ શું શું વિકલ્પ રહેશે?
કપિલ સિબ્બલનું શું કહેવું છે?
NDTV અનુસાર, આ સમગ્ર મામલાને લઈને વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલનું કહેવું છે કે, જો તે (કોર્ટ) માત્ર સજાને સસ્પેન્ડ કરે તો તે પૂરતું નથી. સસ્પેન્શન અથવા દોષિત ઠેરવવા પર સ્ટે હોવો જોઈએ. તેઓ (રાહુલ ગાંધી) સંસદના સભ્ય તરીકે ત્યારે જ યથાવત જ રહી શકે છે જ્યારે તેમના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે. જો હાઈકોર્ટ આ નિર્ણયને રદ નહીં કરે તો રાહુલ ગાંધીને આગામી 8 વર્ષ સુધી ચૂંટણી લડવાની પરવાનગી નહીં મળે.
અન્ય કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય
રાહુલ ગાંધી હવે આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. જ્યારે કોંગ્રેસના નેતાઓએ આ પગલાની કાયદેસરતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને ફક્ત રાષ્ટ્રપતિ જ સાંસદોને ગેરલાયક ઠેરવી શકે છે. આ મામલે રાહુલ ગાંધીની ટીમના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો ત્યાં સજા સ્થગિત કરવા અને આદેશ પર સ્ટે આપવાની અપીલ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં આ મામલે ધા નાખશે.
નિષ્ણાતોનું કહેવું છે કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ સાંસદો અથવા ધારાસભ્યો સજાને સ્થગિત કર્યા બાદ અને દોષિત ઠેરવતા નિર્ણય પર સ્ટે આપવામાં આવ્યા બાદ જ તેઓ અયોગ્ય ઠરવાથી બચી શકે છે. એક નિષ્ણાંતે કહ્યું હતું કે, જો કોઈ પણ જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તે આપોઆપ ગેરલાયક ઠરે છે. હા, જો અપીલ પર સજા સસ્પેન્ડ કરવામાં આવે તો ગેરલાયકાત આપોઆપ સસ્પેન્ડ થઈ જશે. પરંતુ જો આમ ન થાય તો સજા ભોગવ્યા બાદ ગેરલાયકાતનો સમયગાળો 6 વર્ષ છે. મતલબ કે, તે 8 વર્ષનો પ્રશ્ન છે.