મણિપુર હિંસાને લઈ રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું, જાણો શું કહ્યું ?
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, હત્યા અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે.
Rahul Gandhi PC: કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (11 ઓગસ્ટ) પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે પીએમ મોદીએ સંસદમાં 2 કલાક 13 મિનિટ ભાષણ આપ્યું હતું, જેના અંતે તેમણે બે મિનિટ મણિપુર વિશે વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે, હત્યા અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે. વડાપ્રધાન ગઈકાલે ગૃહમાં હસી રહ્યા હતા. આ તેમને શોભતુ નથી. વિષય કૉંગ્રેસ કે હું નહોતો, મણિપુર હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ગૃહમાં એમ જ નથી કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભારત માતાની હત્યા કરી છે. મણિપુરમાં અમને મૈતઈ વિસ્તારમાં કહેવામાં આવ્યું હતું કે જો તમારી સુરક્ષા ટીમમાં કોઈ કુકી હશે તો તેની હત્યા કરી દેશું, આવી જ વાત કુકી વિસ્તારમાં મૈતઈ માટે કહેવામાં આવી. રાજ્યની હત્યા કરી દેવામાં આવી છે અને તેને વિભાજિત કરવામાં આવ્યું છે. એટલે મેં કહ્યું કે ભાજપે મણિપુરમાં હિંદુસ્તાનની હત્યા કરી નાખી.
સેના બે દિવસમાં બધું રોકી શકે છે
કૉંગ્રેસ સાંસદે કહ્યું કે જો પીએમ જઈ શકતા નથી તો આ મુદ્દે બોલવું જોઈએ. ભારતીય સેના આ નાટકને 2 દિવસમાં બંધ કરી શકે છે પરંતુ પીએમ મણિપુરને સળગાવવા માંગે છે અને આ આગને ઓલવવા માંગતા નથી. તેમણે કહ્યું કે 19 વર્ષના અનુભવમાં મેં મણિપુરમાં જે જોયું અને સાંભળ્યું તે ક્યારેય જોયું નથી. મેં સંસદમાં જે કહ્યું તે ખાલી શબ્દો નથી. પહેલીવાર સંસદના રેકોર્ડમાંથી 'ભારત માતા' શબ્દ હટાવવામાં આવ્યો તે અપમાન છે. હવે તમે સંસદમાં ભારત માતા શબ્દ નહીં બોલી શકો.
રાહુલ ગાંધીએ PM પર નિશાન સાધ્યું
પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પ્રધાનમંત્રી મણિપુર જઈ શકતા હતા, સમુદાયો સાથે વાત કરી શકતા હતા અને અને કહી શકતા હતા કે હું તમારો પીએમ છું, ચાલો વાત કરીએ, પરંતુ મને એમનો કોઈ આવો ઈરાદો જોવા મળતો નથી. સવાલ એ નથી કે પીએમ મોદી 2024માં પીએમ બનશે કે કેમ, સવાલ મણિપુરનો છે જ્યાં બાળકો અને લોકોની હત્યા થઈ રહી છે.
PM at least could go to Manipur, talk to communities and say I am your PM, let's start talking but I don't see any intention...The question is not whether PM Modi will become PM in 2024, the question is Manipur where children, people are being killed, says Congress MP Rahul… pic.twitter.com/0CDHnkiOSj
— ANI (@ANI) August 11, 2023
પીએમનું ભાષણ પોતાના વિશે હતું
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની રાજનીતિને કારણે એક રાજ્ય બરબાદ થઈ ગયું છે. તેથી જ મેં કહ્યું કે મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી છે. પીએમે મણિપુરની મહિલાઓની મજાક ઉડાવી. પીએમ અમારા પ્રતિનિધિ છે. તેમને બે કલાક સુધી કૉંગ્રેસની મજાક ઉડાવતા જોવું યોગ્ય ન હતું. મેં વાજપેયી, દેવેગૌડાને જોયા છે, તેઓ આવું કરતા નહી. પીએમનું ભાષણ ભારત વિશે નહીં પરંતુ પોતાના વિશે હતું.