Tatkal Ticket Booking: તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે જરૂરી બનશે e-Aadhaar Verification
Tatkal Ticket Booking: ભારતીય રેલવે હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે.

Tatkal Ticket Booking: ભારતીય રેલવે હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે. આ નિયમ આ મહિનાના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. રેલવેના આ પગલાનો ઉદ્દેશ્ય તત્કાલ ટિકિટના કાળાબજારને રોકવા અને યોગ્ય મુસાફરોને વધુ સુવિધા આપવાનો છે. તત્કાલ ક્વોટા એવા મુસાફરો માટે છે જેમને છેલ્લી ઘડીએ મુસાફરી કરવાની જરૂર હોય છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે એજન્ટો અને વચેટિયાઓ આ ટિકિટો અગાઉથી બુક કરાવે છે, જેના કારણે સામાન્ય મુસાફરો ટિકિટ મેળવી શકતા નથી. હવે જ્યારે દરેક બુકિંગ સમયે ડિજિટલ આધાર વેરિફિકેશન જરૂરી બનશે, ત્યારે નકલી આઈડી અને ઓટોમેટિક બુકિંગ બંધ થઈ જશે.
Bharatiya Railways will soon start using e-Aadhaar authentication to book Tatkal tickets.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2025
This will help genuine users get confirmed tickets during need.
કેવી રીતે કામ કરશે e-Aadhaar Authentication સિસ્ટમ?
આ નવા નિયમ હેઠળ જ્યારે પણ કોઈ મુસાફર તત્કાલ ટિકિટ બુક કરાવશે ત્યારે તેણે ઈ-આધાર દ્વારા ઓનલાઈન પોતાની ઓળખ ચકાસવી પડશે. આ પ્રક્રિયા IRCTC પોર્ટલ અથવા એપ પર બુકિંગ સમયે લાગુ થશે જે નક્કી કરશે કે ટિકિટ બુક કરાવનાર વ્યક્તિ વાસ્તવિક છે કે નહીં.
રેલવે મંત્રીએ માહિતી આપી
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે X (અગાઉના ટ્વિટર) પર આ નિર્ણય વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, "ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુકિંગ માટે e-Aadhaar Authentication શરૂ કરશે. આનાથી જરૂરિયાતમંદ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે."
આ ફેરફાર શા માટે જરૂરી હતો?
અત્યાર સુધી તત્કાલ ટિકિટ બુકિંગમાં ઘણા પ્રકારના ગોટાળા સામે આવી રહ્યા છે જેમ કે બોટ્સ દ્વારા ટિકિટ બુક કરવી, એજન્ટો દ્વારા ટિકિટનો સ્ટોક કરવો, એક જ વ્યક્તિ દ્વારા અલગ અલગ ID સાથે બુકિંગ. ઈ-આધાર વેરિફિકેશન આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવશે.
મુસાફરોએ શું કરવું પડશે?
તમારે IRCTC એકાઉન્ટમાં તમારા આધારને અપડેટ કરવો પડશે.
ટિકિટ બુકિંગ સમયે OTP દ્વારા આધાર વેરિફિકેશન કરવું પડશે.
ઈ-આધારની ડિજિટલ નકલનો ઉપયોગ કરવો પડશે.
ભારતીય રેલવેનું આ પગલું મુસાફરોની સુવિધા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે. આ માત્ર છેતરપિંડી અટકાવશે નહીં, પરંતુ જરૂરિયાતમંદ મુસાફરોને સમયસર ટિકિટ મળવાની શક્યતા પણ વધારશે. ઈ-આધાર આધારિત બુકિંગ સિસ્ટમ રેલવેને વધુ ડિજિટલ અને સુરક્ષિત બનાવશે.





















