Rajya Sabha : કોંગ્રેસ અને ભાજપે આ નેતાઓને રાજ્યસભામાં વેતરી નાખ્યા, જાણો આ લિસ્ટમાં કોણ કોણ
Rajya Sabha Elections 2022:ભાજપ-કોંગ્રેસે રાજ્યસભામાંથી ઘણા મોટા નેતાઓના પત્તા સાફ કરી દીધા છે. જે બાદ અસંતોષના અવાજો સામે આવ્યા છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ ઉમેદવારોની યાદીનો વિરોધ કર્યો છે.
DELHI : રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Elections 2022) માટે 10 જૂને 15 રાજ્યોની 57 બેઠકો માટે મતદાન થશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે. ભાજપે ચૂંટણી માટે પોતાના 18 ઉમેદવારોની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસે 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મોટી વાત એ છે કે બંને પાર્ટીઓએ આ વખતે રાજ્યસભામાંથી ઘણા મોટા નેતાઓના નામ કાપી નાખ્યા છે. જે બાદ અસંતોષના અવાજો સામે આવ્યા છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ ટ્વીટ કરીને ઉમેદવારોની યાદીનો વિરોધ કર્યો છે.
શું હું ઓછી હકદાર છું? : નગમા
કોંગ્રેસે G-23ના અગ્રણી નેતાઓ ગુલામ નબી આઝાદ, સલમાન ખુર્શીદ, તારિક અનવર અને આનંદ શર્માને ઉમેદવારોની યાદીમાંથી બાકાત રાખ્યા છે. આ સિવાય ઘણા એવા નેતાઓ છે જેઓ આ વખતે રાજ્યસભામાં જશે તેવી આશા હતી, પરંતુ આશા ઠગારી નીવડી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, "કદાચ મારી તપસ્યામાં કંઈક ઓછું રહી ગયું હશે."
કોંગ્રેસ નેતા નગમાએ કહ્યું, "અમારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાજીએ મને 2003-04માં જ્યારે હું પાર્ટીમાં જોડાઈ ત્યારે મને રાજ્યસભા મોકલવાનું વચન આપ્યું હતું. અમે તે સમયે સત્તામાં નહોતા. આ પછી 18 વર્ષ થઈ ગયા અને તેમને મને રાજ્યસભામાં મોકલવાની તક ન આપી, ઈમરાનને તક મળી. મારે પૂછવું છે કે શું હું ઓછી હકદાર છું?'
ખુર્શીદ, અનવર અને ગુલામ નબી પણ વેતરાયા
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ ખુલ્લેઆમ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. પવન ખેડાના ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે કહ્યું, "પ્રતિભાને દબાવવું એ પાર્ટી માટે 'આત્મઘાતી' પગલું છે. ખુર્શીદ, તારિક અનવર અને ગુલામ નબી આઝાદ સાહેબની તપસ્યા 40 વર્ષની છે, તેઓ પણ શહીદ થયા.”
ભાજપે આ નેતાઓને કાપ્યાં
પાર્ટીના ઉમેદવારોની યાદીમાંથી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું નામ પણ ગાયબ છે. જોકે, ભાજપે ઓછામાં ઓછા બે ઉમેદવારોના નામ જાહેર કરવાના છે અને આ બંને બેઠકો ઉત્તરપ્રદેશની છે. ભાજપે દુષ્યંત ગૌતમ, વિનય સહસ્રબુદ્ધે અને ઓપી માથુરને પણ મેદાનમાં ઉતાર્યા નથી. શિવપ્રતાપ શુક્લા, ઝફર ઈસ્લામ, સંજય સેઠ અને જયપ્રકાશ નિષાદના નામ પણ કાપવામાં આવ્યા છે.