યુપી-બિહારમાં વરસાદ અને વીજળીએ મચાવી તબાહી, ૮૩ના મોત; દેશના ૧૦ રાજ્યોમાં વાવાઝોડાની આગાહી
ઉત્તર ભારતમાં કુદરતનો કહેર યથાવત, અનેક રાજ્યોમાં ભારે ગરમીનું મોજું પણ ફરી વળ્યું.

Rain havoc up bihar: દેશમાં હવામાનનો બેવડો માર યથાવત છે. એક તરફ આકરી ગરમી લોકોના હાલ બેહાલ કરી રહી છે, તો બીજી તરફ વાવાઝોડા અને વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ૧૦ એપ્રિલના રોજ આવેલા ભયાનક તોફાન અને વીજળી પડવાની ઘટનાઓમાં ૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બિહારમાં સૌથી વધુ ૬૧ અને ઉત્તર પ્રદેશમાં ૨૨ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ અને મેઘાલયમાં ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે અને ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાની ઘટના પણ બની હતી.
તો બીજી તરફ દેશમાં આકરી ગરમીનું મોજું પણ યથાવત છે. ગુરુવારે મોટાભાગના રાજ્યોમાં દિવસનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ ૪૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો ૩૫ ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. રાજસ્થાન અને ગુજરાતમાં તો તાપમાન ૪૦-૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે દિલ્હીમાં પણ પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે રાજસ્થાનના જેસલમેર અને બાડમેર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત, મધ્ય પ્રદેશના ૩૦ જિલ્લામાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં હીટ વેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આગામી બે દિવસના હવામાનની વાત કરીએ તો, ૧૨ એપ્રિલના રોજ ઉત્તરપશ્ચિમ ભારતમાં (રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ) તાપમાન ૪૦-૪૫ ડિગ્રીની આસપાસ રહેશે અને હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. દિલ્હી-એનસીઆરમાં પણ ૩૮-૪૦ ડિગ્રી સાથે હળવું હીટવેવ અનુભવાઈ શકે છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તરપૂર્વના રાજ્યો (આસામ, મેઘાલય) અને દક્ષિણના રાજ્યો (કેરળ, તમિલનાડુ)માં પણ વરસાદની શક્યતા છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું આવી શકે છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને પૂર્વ ભારતના રાજ્યો (બિહાર, ઝારખંડ)માં વીજળી અને ગાજવીજ માટે ચેતવણી આપવામાં આવી છે.
૧૩ એપ્રિલના રોજ ગરમીની અસર થોડી ઓછી થશે, પરંતુ રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ૪૨-૪૩ ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિલ્હીમાં તાપમાન ૩૭-૩૯ ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તરપશ્ચિમ ભારતના રાજ્યો (પંજાબ, હરિયાણા, દિલ્હી)માં હળવો વરસાદ ગરમીથી રાહત અપાવી શકે છે. દક્ષિણ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાન આવી શકે છે, જ્યારે મધ્ય ભારતમાં હળવા વાવાઝોડાની શક્યતા છે. ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશામાં વીજળી પડવાની શક્યતા યથાવત રહેશે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને વરસાદને કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, તેમ છતાં રાજ્યના ૧૫ શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીથી ઉપર રહ્યો હતો. ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, અમરેલી, ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયો હતો. ગુરુવારે સાંજે દિલ્હી અને એનસીઆરમાં ધૂળની ડમરીઓ ત્રાટકી હતી, જેના કારણે લોકોને થોડી રાહત મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે એપ્રિલથી જૂન સુધી તાપમાન સામાન્ય કરતાં ૨-૪ ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં હીટવેવના દિવસો સામાન્ય કરતાં બમણા એટલે કે ૧૦-૧૧ સુધી જઈ શકે છે.




















