Weather Alert: હીટવેવની વચ્ચે આ રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: દિલ્હીમાં તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવનું એલર્ટ, પૂર્વોત્તર અને દક્ષિણમાં વરસાદની આગાહી.

Weather News: દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી જારી કરી છે. સોમવારે (૭ એપ્રિલ ૨૦૨૫) દિલ્હીમાં આ વર્ષનું સૌથી વધુ ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
IMD દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી ૪ દિવસ દરમિયાન ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. આ સાથે જ, ૮ એપ્રિલે પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના વિવિધ ભાગોમાં પણ હીટવેવની સ્થિતિ યથાવત છે. દિલ્હીમાં ૮ અને ૯ એપ્રિલના રોજ મોટાભાગના સ્થળોએ હીટ વેવની અસર જોવા મળશે.
ગરમીના આ પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરી છે. ૭થી ૧૦ એપ્રિલ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે (સોમવાર, એપ્રિલ ૭, ૨૦૨૫) પૂર્વ રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં ગરમીની લહેર યથાવત છે. આસામમાં કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા હતા.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ૮ એપ્રિલે તમિલનાડુ, કેરળ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ૯ થી ૧૧ એપ્રિલ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડી શકે છે. ૮ એપ્રિલે પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને કેરળમાં ગાજવીજ, વીજળી અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આમ, ઉત્તર ભારતમાં જ્યાં ગરમીનું મોજું લોકોને પરેશાન કરી રહ્યું છે, ત્યાં પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદથી રાહત મળવાની શક્યતા છે.
ગુજરાતમાં ગરમીથી શેકાવા રહેજો તૈયાર
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર જઈ શકે છે. ખાસ કરીને કચ્છમાં સીવીયર હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર અને દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
રાજ્યના મોરબી, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ગરમીની ગંભીરતા દર્શાવે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં ગરમીનું જોર યથાવત રહેશે, તેથી લોકોને સાવચેતી રાખવાની અને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.





















