કોરોનાની ચેઈન તોડવા માટે દેશમાં લોકડાઉન લાદવું જોઈએ કે નહીં ? જાણો AIIMSના ડો. ગુલેરિયાએ શું કહ્યું.......
દેશમાં કોરોનાની ચેઈન તોડવા માટે દેશમાં ફરી લોકડાઉન લાદવું જોઈએ કે નહીં તેની ચર્ચા ફરીથી શરૂ થઈ છે. આ દરમિયાન એઈમ્સના ડો.રણદીપ ગુલેરિયાએ મોટી વાત કહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) કહેર મચાવી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રોજના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાની ચેઈન તોડવા માટે દેશમાં ફરી લોકડાઉન (Lockdown) લાદવું જોઈએ કે નહીં તેની ચર્ચા ફરીથી શરૂ થઈ છે. આ દરમિયાન એઈમ્સના ડો.રણદીપ ગુલેરિયાએ (AIIMS chief Dr. Randeep Guleria) મોટી વાત કહી છે.
તેમણે કહ્યું, જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે હોય ત્યાં ફરજિયાત લોકડાઉન નાંખવું જોઈએ. સંક્રમણ પર કાબુ મેળવવા માટે આપણે વધારે પોઝિટિવિટી રેટવાળા વિસ્તાર પર ફોક્સ કરવું પડશે. જ્યાં સૌથી વધારે હશે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવા પડશે અને ત્યાં લોકડાઉન પણ લગાવવું પડશે. ત્યારે કોરોના સંક્રમણની ચેન તોડી શકાશે અને નવા મામલાને નીચે લાવી શકાશે. કોરોના વાયરસની બીજી લહેરમાં નવા મામલાની સુનામી આવી છે તેવા સમયે જ તેમણે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશની હેલ્થકેર સિસ્ટમ વાયરસના ફેલાવાનો અંદાજ લગાવવામાં નિષ્ફળ રહી છે. નવો મ્યૂટેંટ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2767 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,17,113 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 69 લાખ 60 હજાર 172
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 40 લાખ 85 હજાર 110
- કુલ એક્ટિવ કેસ - 26 લાખ 82 હજાર 751
- કુલ મોત - 1 લાખ 92 હજાર 311
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 09 લાખ 16 હજાર 417 ડોઝ આપવામાં આવ્યા છે.
ક્યા રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.