સુપ્રીમ કોર્ટે ગુજરાતની દુષ્કર્મ પીડિત મહિલાને ગર્ભપાતની આપી મંજૂરી, હાઈકોર્ટના નિર્ણયને બદલ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયદા અનુસાર બાળકને દત્તક લેવાની જવાબદારી સરકારની રહેશે.
Supreme Court: સુપ્રીમ કોર્ટે 27 સપ્તાહની ગર્ભવતી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. મેડિકલ રિપોર્ટમાં પણ આ તબક્કે મહિલાની પ્રેગ્નન્સી સુરક્ષિત રીતે ખતમ કરવાનું કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભ્રૂણ બચી જશે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરશે કે બાળક તેને ઇન્ક્યુબેશનમાં રાખીને જીવિત રહે. સરકારની જવાબદારી રહેશે કે કાયદા અનુસાર બાળકને દત્તક લઈ શકાય. મહિલા ગુજરાતની છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે દિવસ દરમિયાન અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈ શકે છે. આ સ્ટેજમાં પણ સુરક્ષિત રીતે પ્રેગનન્સી ટર્મિનેટની વાત મેડિકલ રિપોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભ્રૂણ જીવીત રહે તો હોસ્પિટલ સુનિશ્ચિત કરે કે બાળકને ઈન્ક્યુબેશનમાં રાખી જીવીત રાખી શકાય. બાળક જીવિત રહે તો કાયદા મુજબ બાળકને દત્તક દેવાની જવાબદારી રાજ્ય સરકારની છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે ગર્ભપાતનો ઈન્કાર કરતા પીડિતાએ સુપ્રીમકોર્ટમાં ચુકાદાને પડકાર્યો હતો.
આ પહેલા અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 25 વર્ષીય મહિલાએ 7 ઓગસ્ટના રોજ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને આ મામલો બીજા દિવસે સુનાવણી માટે લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે હાઈકોર્ટે 8 ઓગસ્ટના રોજ અરજદારના સ્વાસ્થ્યની સ્થિતિ સાથે ગર્ભાવસ્થાની સ્થિતિની ખાતરી કરવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્દેશ જારી કર્યો હતો. આ પછી, મેડિકલ કોલેજ દ્વારા 10 ઓગસ્ટે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જ્યાં મહિલાની તપાસ કરવામાં આવી.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ અહેવાલ રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો, પરંતુ વિચિત્ર રીતે આ મામલો 12 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટના રોજ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. કોર્ટે એ વાતની અવગણના કરી કે આ કેસમાં અને હાલના સંજોગોમાં દરરોજનો વિલંબ કેટલો મહત્ત્વનો હતો.
અરજદારના વકીલે બેન્ચને જણાવ્યું કે જ્યારે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી ત્યારે અરજદાર મહિલા ગર્ભાવસ્થાના 26મા સપ્તાહમાં હતી. ખંડપીઠે પૂછ્યું કે 11 ઓગસ્ટના રોજ 23 ઓગસ્ટ સુધી સ્ટે આપવામાં આવ્યો હતો. કયા હેતુ થી? અને ત્યાં સુધી કેટલા દિવસો બરબાદ થયા. અરજદારના વકીલે કહ્યું કે અગાઉ આ મામલો 23 ઓગસ્ટને બદલે 17 ઓગસ્ટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.