Mohammad Zubair Bail: મોહમ્મદ જુબૈરને બધા કેસમાં મળ્યા વચગાળાના જામીન, સુપ્રીમ કોર્ટે કહ્યું - અંતહીન સમય સુધી જેલમાં...
સુપ્રીમ કોર્ટે ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ જુબૈરને મોટી રાહત આપી છે. SCએ આજે બુધવારે જુબૈર સામે થયેલા બધા કેસમાં વચગાળાના જામીન આપ્યા છે.
Mohammed Zubair Bail: સુપ્રીમ કોર્ટે ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ જુબૈરને (Mohammad Zubair) મોટી રાહત આપી છે. SCએ આજે બુધવારે જુબૈર સામે થયેલા બધા કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, અંતહીન સમય સુધી મોહમ્મદ જુબૈરને જેલમાં બંધ રાખવો યોગ્ય નથી.
આ સાથે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તરપ્રદેશમાં જુબૈર સામે નોંધાયેલા તમામ FIRને દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોહમ્મદ જુબૈરના કેસોની તપાસ માટે રચવામાં આવેલી SITને પણ ભંગ કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં જુબૈરને જેલમાંથી છોડવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આજે થયેલી સુનવાણીમાં કહ્યું કે, "અરજીકર્તાએ બધી FIRમાં જામીન માટે અને ધરપકડ પર રોક લગાવા માટે માંગ કરી છે. અમે આજે અરજીકર્તાના વકિલ વૃંદા ગ્રોવર અને યુપી સરકારના વકિલ ગરિમા પ્રસાદને પણ સાંભળ્યા છે. અમને જાણ થઈ છે કે, બધા કેસ ટ્વીટ સાથે જોડાયેલા છે જેમાં એક જેવી કલમો લગાવાઈ છે. આ સાથે દિલ્હીના કેસ જુબૈરને નિયમિત જામીન મળી ગયા છે."
કોર્ટે વધુમાં કહ્યું કે, "અરજીકર્તાના વકિલે કહ્યું કે, તેણે (મોહમ્મદ જુબૈરે) ઘણા ટ્વીટમાં યુપી પોલીસને ટેગ કરીને ભાષણ આપનાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ તેને હેરાન કરવામાં આવી રહ્યો છે. તેણે કોઈ ધર્મનું અપમાન નથી કર્યું." કોર્ટે આગળ કહ્યું કે, "દિલ્હીની કોર્ટમાંથી અલગ-અલગ કેસમાં જામીન મળ્યા બાદ પણ અરજીકર્તા હજી સુધી ઘણા કેસમાં ફસાયેલો છે." આ સાથે કોર્ટે મોહમ્મદ જુબૈરને બધા કેસોમાં વચગાળાના જામીન આપ્યા હતા. આ સાથે બધા કેસ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલમાં ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો હતો કારણ કે, દિલ્હીમાં નોંધાયેલ કેસ અને યુપીમાં નોંધાયેલ કેસ એક સરખા છે.