તમિલનાડુમાં દર્દનાક દુર્ઘટના, CISF ના જવાનોની પ્રેક્ટિસ દરમિયાન 11 વર્ષના બાળકના માથામાં વાગી ગોળી
ગંભીર રીતે ઘાયલ છોકરાની હાલ તંજાવુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રિપોર્ટ મુજબ પરિસરમાં ટ્રેનિંગ સેશનનું આયોજન કરાયું હતું.
ચેન્નઈઃ તમિલનાડુના પુડુકોટ્ટઈમાં ગુરુવારે એક દુર્ઘટના થઈ છે. સીઆઈએસએફની ફાયરિંગ રેંજ પાસે રમી રહેલા 11 વર્ષના એક છોકરાને માથા પર ગોળી વાગી હચી. સીઆઈએફસના જવાનો પ્રેક્ટિસ કરતા હતા ત્યારે આ ઘટના બની હતી.
ગંભીર રીતે ઘાયલ છોકરાની હાલ તંજાવુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રિપોર્ટ મુજબ પરિસરમાં ટ્રેનિંગ સેશનનું આયોજન કરાયું હતું. ત્યારે સીઆઈએસએફના એક જવાનની રાઇફલમાંથી ગોળી નીકળીને રેંજથી થોડે દૂર રમી રહેલા બાળકને વાગી હતી. ઘટના બાદ સીઆઈએસએફ જવાનો મદદ માટે દોડી ગયા હતા અને તેને પુડુકોટ્ટાઈ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા.
કોણ છે બાળક
માથામાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકની ઓળખ પુડુકોટ્ટઈ જિલ્લાના નથમલાઈ ગામના પુગાઝેંથી તરીકે થઈ છે. તે તેના દાદાના ઘર પાસે રમતો હતો ત્યારે આ ઘટના બની હતી. પુડુકોટ્ટાઈ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, CISF જવાનો માટે પ્રેક્ટિસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જ રાઈફલમાંથી છોડવામાં આવેલી ગોળી ટાર્ગેટ ચૂકી બાળકના માથામાં વાગી હતી. આ ઉપરાંત ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ દ્વારા સીઆઈએસએફ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પરિવારજનોએ શું કહ્યું
બાળકના માતા-પિતા, પરિવારના સભ્યો અને ગ્રામજનોએ ફાયરિંગ રેન્જને અન્યત્ર ખસેડવાની માગણી સાથે ત્રિચી-પુડુક્કોટ્ટાઈ નેશનલ હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું છે કે આ ફાયરિંગ રેન્જમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું નથી.