2030 સુધી 300 અબજ ડોલરનું બજાર બનાવાનું અને 6 કરોડ નોકરીઓ પેદા કરવાનું લક્ષ્યઃ કાપડ મંત્રી
સંસ્થાના નવા કેમ્પસનું નિર્માણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 5.38 એકર જમીન પર 75.95 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ મંત્રાલય વર્ષ 2030 માં 300 બિલિયન ડોલરના બજાર સુધી પહોંચવામાં ઉદ્યોગને મદદ કરવા અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં 6 કરોડ લોકોને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે. મંત્રાલયે રવિવારે એક રિલીઝમાં આ જાણકારી આપી હતી.
કાપડ મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના ફૂલિયા, નાદિયામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. સંસ્થાના નવા કેમ્પસનું નિર્માણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 5.38 એકર જમીન પર 75.95 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં સ્માર્ટ ક્લાસ, ડિજિટલ લાઇબ્રેરી અને આધુનિક અને સારી રીતે સજ્જ પરીક્ષણ પ્રયોગશાળાઓ સમાવિષ્ટ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. નવું કેમ્પસ એક મોડેલ લર્નિંગ પ્લેસ હશે અને હેન્ડલૂમ અને ટેક્સટાઇલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સેન્ટર ઑફ એક્સલન્સ તરીકે સેવા આપશે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને સિક્કિમના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરશે.
7 ડિસેમ્બરના રોજ એએનઆઇ સાથે વાત કરતા સિંહે જણાવ્યું હતું કે, "ટેક્સટાઇલ વિભાગે નિર્ણય લીધો છે કે ભારતનું કાપડ બજાર વર્તમાન 176 બિલિયન ડોલરથી વધીને 300 બિલિયન ડોલર થઇ જશે. ગયા ઑક્ટોબરમાં કાપડની નિકાસમાં 11 ટકા અને વસ્ત્રોના નિકાસમાં 35 ટકાનો વધારો થયો છે. મને આશા છે કે પીએમ મોદીના નેતૃત્વમાં આપણે નવી ઊંચાઈઓને સ્પર્શ કરીશું.
ઓક્ટોબર મહિના દરમિયાન ભારતમાંથી કાપડની નિકાસ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ લગભગ 11.56 ટકા વધીને 1,833.95 મિલિયન ડોલર થઈ હતી. ઑક્ટોબરના સમાન સમયગાળા દરમિયાન વસ્ત્રોની નિકાસમાં 35.06 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઇ હતી જે 1,227.44 મિલિયન ડોલર હતી, એમ કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીએ સરકારી ડેટાને ટાંકીને એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
ઑક્ટોબર 2024માં કાપડ અને વસ્ત્રોની નિકાસ ઑક્ટોબર 2023ની સરખામણીમાં 19.93 ટકા વધી હતી. એપ્રિલ-ઑક્ટોબર દરમિયાન ભારતીય કાપડની નિકાસમાં પાછલા વર્ષની સરખામણીએ 4.01 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે વસ્ત્રોની નિકાસમાં 11.60 ટકાનો વધારો નોંધાયો હતો.
કેન્દ્ર સરકારની ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ફેસિલિટેશન એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2026 સુધીમાં કુલ ટેક્સટાઇલ નિકાસ 65 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ઈન્વેસ્ટ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, 2022માં આશરે 165 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતું સ્થાનિક કાપડ માર્કેટમાં સ્થાનિક વેચાણમાંથી 125 બિલિયન ડોલર અને નિકાસમાંથી 40 બિલિયન ડોલરનો સમાવેશ થાય છે. અંદાજો પરથી સંકેત મળે છે કે બજાર 2030 સુધીમાં 10 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધીને 350 બિલિયન ડોલર સુધી પહોંચશે.