Delhi Election 2025 Dates: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મી એ આવશે પરિણામ
Delhi Assembly Election 2025 Date: પહેલીવાર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતીને કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવી છે. આ સરકાર 49 દિવસમાં પડી ગઈ
Delhi Assembly Election 2025 Date: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થઇ ગયુ છે. ચૂંટણી પંચે આજે દિલ્હીમાં પ્રેસ કૉન્ફરન્સ યોજીને દિલ્હીમાં આઠમી વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી છે, આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 8 મી પરિણામ આવશે. આજે ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે માહિતી આપતા કહ્યું હતુ કે, દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. તેમણે કહ્યું કે લોકશાહીમાં ભાગીદારી વધારવી જોઈએ. નવા વર્ષમાં દિલ્હીનો પહેલો વારો છે. અમને આશા છે કે દિલ્હી દિલથી વોટ કરશે.
દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમ આ પ્રકારે છે -
ચૂંટણીની અધિસૂચના- 10 જાન્યુઆરી
નૉમિનેશનની છેલ્લી તારીખ - 17 જાન્યુઆરી
નામાંકન પત્રોની ચકાસણી - 18 જાન્યુઆરી
નામાંકન પાછું ખેંચવાનો છેલ્લો દિવસ - 20 જાન્યુઆરી
મતદાન તારીખ- 5 ફેબ્રુઆરી
મતગણતરી તારીખ - 8 ફેબ્રુઆરી
તારીખોની જાહેરાત કરતા રાજીવ કુમારે કહ્યું કે દિલ્હીમાં 13 હજારથી વધુ મતદાન મથકો હશે. 85 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે. તેમણે કહ્યું કે ચૂંટણી શિષ્ટાચારનું ધ્યાન રાખવું જોઈએ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરશો નહીં. ચૂંટણી પ્રચારમાં ભાષાનું ધ્યાન રાખો. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. નવા ગૃહની રચના માટે તે પહેલા ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં પરંપરાગત રીતે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે.
અરવિંદ કેજરીવાલે કેમ્પેઇન સૉન્ગ રિલીઝ કર્યુ
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું પ્રચાર ગીત રજૂ કર્યું. આ 3:29 મિનિટનું ગીત 'ફિર લાયેંગે કેજરીવાલ' AAPની તેના કાર્યકાળ દરમિયાનની સિદ્ધિઓ દર્શાવે છે. તેનો ઉદ્દેશ્ય સરકારમાં સાતત્ય પર ભાર મૂકીને મતદારો સાથે તાલ મેળવવાનો છે.
દિલ્હીમાં અત્યાર સુધી કેટલીવાર યોજાઇ ચૂંટણી ?
દિલ્હીમાં 1993 થી અત્યાર સુધી 7 વિધાનસભા ચૂંટણી થઈ છે. આ આઠમી વખત ચૂંટણી યોજાશે. ફેબ્રુઆરીમાં મતદાન થાય તેવી શક્યતા છે.
પહેલીવાર દિલ્હીમાં ક્યારે યોજાઇ હતી ચૂંટણી ?
દિલ્હીમાં પ્રથમ ચૂંટણી 27 માર્ચ 1952ના રોજ યોજાઈ હતી. કોંગ્રેસે આ ચૂંટણી જીતી હતી. કુલ 48 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
વર્ષ 2013 ની કોણી સરકાર બની ?
2013ની ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. ભાજપ 31 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પહેલીવાર ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતીને કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવી છે. આ સરકાર 49 દિવસમાં પડી ગઈ.
2015ની વિધાનસભા ચૂંટણીમાં આપને કેટલી બેઠકો મળી ?
2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હીમાં જોરદાર જીત મળી હતી. 70 બેઠકોમાંથી પાર્ટીએ 67 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી. આ સાથે જ કોંગ્રેસ પક્ષનો સફાયો થઈ ગયો હતો.
2020ની વિધાનસભા ચૂંટણીમાં આપને કેટલી બેઠકો મળી ?
2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ફરી એક વખત જંગી માર્જિનથી જીત મેળવી હતી. પાર્ટીએ 70માંથી 62 સીટો જીતી હતી.