કેન્દ્ર સરકારે કોવિડ નિયંત્રણો 31 મે સુધી લંબાવ્યા, જાણો લોકડાઉન વિશે શું કહ્યું.....
મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યુ કે તે જિલ્લાની ઓળખ કરે જ્યાં કોવિડ 19 સંક્રમણનો દર 10 ટકાથી વધારે છે અથવા જ્યાં ગત એક અઠવાડિયામાં બેડ ભરાવાનો દર 60 ટકાથી વધારે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે આ બીમારીના કેસ જ્યાં મોટી સંખ્યામાં હોય તેવા જિલ્લાઓમાં પગલાં વધારે કડક બનાવવા. તે ઉપરાંત દેશભરમાં લાગુ કરાયેલી કોવિડ-19 સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું કડક રીતે પાલન કરવાનું રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરે લાગુ કરેલા નિયંત્રણો 31 મે સુધી અમલમાં રાખવા. ગૃહ મંત્રાલયે આમ છતાં, મે મહિના માટે ઈશ્યૂ કરેલા તેના આ નવા આદેશમાં દેશમાં કોઈ પણ ઠેકાણે લોકડાઉન લાગુ કરવા વિશે કંઈ જણાવ્યું નથી. પરંતુ, રાજ્ય સરકારોને જરૂરી પગલાં લેવાનું કહ્યું છે.
મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યુ કે તે જિલ્લાની ઓળખ કરે જ્યાં કોવિડ 19 સંક્રમણનો દર 10 ટકાથી વધારે છે અથવા જ્યાં ગત એક અઠવાડિયામાં બેડ ભરાવાનો દર 60 ટકાથી વધારે છે. ગૃહ મંત્રાલયે કહ્યુ કે આમાંથી કોઈ પણ માપદંડને પુરા કરનારા જિલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા પર વિચાર કરી શકાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય દિશા નિર્દેશ સમગ્ર દેશમાં કડકાઈ પૂર્વર લાગૂ રહેશે. ગૃહ મંત્રાલયનો આદેશ 31 મે સુધી અમલમાં રહેશે.
ગૃહ મંત્રાલયે કહ્યુ કે મહામારીની હાલની લહેરને પહોંચી વળવા માટે તેના ફેલાવાને રોકવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો રહેશે, જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધારે છે ત્યાં જરુરી સેવાઓને છોડીને રાતના સમયમાં લોકોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે.
સામાજિક, રાજકીય , રમત, મનોરંજન, સાસ્કૃતિક, ધાર્મિક વગેરે કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ રહેશે. લગ્ન સમારોહમાં વધુમાં વધુ 50 લોકો જ્યારે અંતિમ સંસ્કારમાં 20 લોકો સામેલ થઈ શકે છે. સાર્વજનિક પરિવહન પોતાની 50 ટકા ક્ષમતાની સાથે ચાલાવવામાં આવી શકે છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને સ્વાસ્થ્ય સંબંધી માળખાની સમીક્ષા કરવાનું કહ્યું છે જેથી હાલના આના આવનારા સમયમાં કોરોનાના કેસ માટે મેનેજ કરી શકાય અને દર્દીની જરૂરિયાત અનુસાર બેડની પુરતી સંખ્યા, ઓક્સિજન, આઈસીયુ બેડ, એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટર્સ જેવી સુવિધા પુરી પાડી શકાય.