IPCC Report Update: વર્ષ 2100માં ગુજરાતના 3 સહિત દેશનાં 12 દરિયા કિનારાનાં શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતા
ઈ.સ. 2100માં ભારતનાં 12 દરિયાકિનારાનાં શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતા છે, કારણ કે સતત વધતી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે.
ઈ.સ. 2100માં ભારતનાં 12 દરિયાકિનારાનાં શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતા છે, કારણ કે સતત વધતી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે, દરિયાનો જળસ્તર વધી રહ્યો છે. દેશના સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતનાં ત્રણ શહેરો આ યાદીમાં છે, જેમાં ઓખા, કંડલા અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ NASAના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવ્યો છે. નાસાએ આ ભારતીય શહેરોમાં સમુદ્રનું સ્તર વધવાની જાણ કરી છે.
ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ભારતમાં ચેન્નઈ, કોચ્ચી જેવાં શહેરોના દરિયાકિનારાનો વિસ્તાર ઘટી રહ્યો છે. દરિયાકિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં જ સુરક્ષિત સ્થળો પર જવું પડશે, કારણ કે કોઈપણ દરિયાકિનારાના વિસ્તારમાં 3 ફૂટ પાણી વધવાનો અર્થ થાય છે કે ઘણા વિસ્તારમાં તારાજી સર્જાવાની છે. આવો, જાણીએ આ ખુલાસો કોણે અને કેવી રીતે કર્યો છે?
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે, જેનો આધાર છે ઈન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો તાજેતરમાં આવેલો રિપોર્ટ. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2100 સુધીમાં દુનિયામાં ગરમીનું પ્રમાણ સખત વધી જવાનું છે. કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે તો તાપમાનમાં એવરેજ 4.4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દશકામાં જ તાપમાન 1.5 ડીગ્રી સેલ્સિયસ વધી જશે. જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે ગ્લેશિયર પીગળશે. એનું પાણી મેદાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જી શકે છે.