UCC : યૂનિફોર્મ સિવિલ કોડને લઈ હલચલ તેજ, અમિત શાહ અચાનક એક્શન મોડમાં
આ ઘટનાક્રમ અંતર્ગત કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા.
Uniform Civil Code Discussion : દેશના તમામ નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે કે સમાન નાગરિક ધારો લાગુ કરવાને લઈને હલચલ તેજ બની ગઈ છે. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ઈશારો કરવામાં આવતા જ UCCને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાક્રમ અંતર્ગત કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ મંગળવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન કાયદા સચિવ પણ બેઠકમાં હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં UCC વિશે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
જાહેર છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની ભારપૂર્વક હિમાયત કરી હતી. આ દરમિયાન તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, દ્વિ વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?' સાથે જ તેમણે કહ્યું હતું કે, આ સંવેદનશીલ મુદ્દા પર મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીએ સમાન નાગરિક કાયદાને લઈ ચિંધી આંગળી
વડાપ્રધાને અહીં કહ્યું હતું કે. આપણે જોઈ રહ્યા છીએ કે, સમાન નાગરિક સંહિતાના નામે લોકોને ભડકાવવાનું કામ થઈ રહ્યું છે. જો ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય, તો શું તે કુટુંબ ચલાવી શકશે? તો પછી આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? આપણે યાદ રાખવું પડશે કે ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે.
ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ લોકો (વિપક્ષ) અમારા પર આરોપ લગાવે છે, પરંતુ હકીકત એ છે કે તેઓ મુસ્લિમો, મુસ્લિમો કરે છે. જો તેઓ ખરેખર મુસ્લિમોના હિતમાં (કામ કરતા) હોત તો મુસ્લિમ પરિવારો શિક્ષણ અને નોકરીમાં પાછળ ન હોત.
કાયદા પંચે તમામ પક્ષકારો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો
યુનિફોર્મ સિવિલ કોડ અંગે પીએમ મોદીનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, આ મહિને જ કાયદા પંચે સમાન નાગરિક સંહિતા અંગે સામાન્ય લોકો અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ હિતધારકોના મંતવ્યો મંગાવ્યા છે. 14 જૂનના રોજ જારી કરાયેલી જાહેર નોટિસમાં, કાયદા પંચે એક મહિનાની અંદર બધા પાસેથી મંતવ્યો માંગ્યા છે. જે તેઓ ઇમેઇલ દ્વારા અથવા લિંક દ્વારા ઑનલાઇન મોકલી શકે છે.
કાયદા પંચની આ નોટિસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સૂત્રોનું કહેવું છે કે કોમન સિવિલ કોડ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનો મુખ્ય એજન્ડા બની શકે છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે ત્રીજા મોટા પગલા તરીકે ભાજપના ચૂંટણી પ્રચારનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.
આ ઘટનાક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત ઘણી સાંકેતિક માનવામાં આવે છે. આ બેઠકમાં કાયદા સચિવ પણ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં યુસીસીની દિશામાં ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.