(Source: ECI/ABP News/ABP Majha)
સ્થળાંતરને અટકાવવા ગ્રામીણ ભારતનું શહેરીકરણ
લગભગ 11-12 કરોડ લોકો, જે ભારતની શહેરી વસ્તીના લગભગ છવ્વીસ ટકા છે, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે.
સદ્ગુરુ: થોડા વખત પહેલા, હું મુંબઈમાં હતો. એક બાજુ મોટી ફેન્સી ઈમારતો હતી; બીજી બાજુ ઝૂંપડપટ્ટી હતી. ચોમાસા પછીનો સમય હતો. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે ગટરનું પાણી ઉભરાઈ જાય છે. આખી ઝૂંપડપટ્ટી જે કદાચ એકસો-પચાસ એકર કે તેનાથી પણ વધુમાં ફેલાયેલી છે, તેમાં લગભગ એક ફૂટની ગંદકી હતી અને બધા લોકો તેમાં ચાલતા હતા અને જાણે સામાન્ય હોય તેમ ત્યાં રહેતા હતા. સ્થળાંતર કરનારા લોકો આ સ્થિતિમાં જીવી રહ્યા છે.
લગભગ 11-12 કરોડ લોકો, જે ભારતની શહેરી વસ્તીના લગભગ છવ્વીસ ટકા છે, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. એવું અપેક્ષિત છે કે 2035 સુધીમાં 22 કરોડ લોકો ગામડાંમાંથી શહેરોમાં સ્થળાંતર કરશે. જો આવું થાય તો તમે શહેરોની દુર્દશાની કલ્પના કરી શકો છો. જો આપણા દરેક શહેરમાં 1 કરોડ વધારાના લોકો આવી જાય, તો આ સ્થળોએ કોઈ સારી રીતે જીવી નહીં શકે.
પણ એવું શું છે કે જેથી લોકો તેમના પરિવારો જ્યાં સેંકડો વર્ષોથી રહેતા આવ્યા છે તે જમીન છોડી દે છે? આજીવિકા ન હોવાથી લોકો પલાયન કરવા માંગે છે. જો તેઓ તેમના ગામમાં યોગ્ય જીવન જીવી શકે, તો મોટાભાગના લોકો આટલી ઉતાવળમાં સ્થળાંતર ન કરે. તેઓ પરિવારના એક સભ્યને શહેરમાં મોકલશે એ જાણવા કે શું થઈ રહ્યું છે, કેવી રીતે કમાવવું, ઘર કેવી રીતે બનાવવું, અને પછી જશે. પણ અત્યારે, દરેક વ્યક્તિ યોજના વગર સ્થળાંતર કરી રહી છે કારણ કે તેઓને તે કરવાની ફરજ પડી છે.
જો આપણે સ્થળાંતર અટકાવવા માંગતા હોય, તો આપણે ગ્રામીણ ભારતનું શહેરીકરણ કરવું જોઈએ. સૌથી સરળ બાબત એ છે કે આપણે સરકારી શાળાઓને અપગ્રેડ કરીએ. ઈમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ મોટાભાગની જગ્યાએ શિક્ષણ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણની સંસ્કૃતિ નથી. દેશમાં અત્યારે ઓછામાં ઓછા 80 લાખ થી 1 કરોડ 15-16 વર્ષની વયના લોકો એવા હશે જેઓ માને છે કે તેઓ શિક્ષિત છે પણ તેઓ બે વત્તા બે નથી ઉમેરી શકતા. જો આપણે આ શાળાઓને ખાનગી સંસ્થાઓને સોંપી દઈએ જેમાં સરકારની કોઈ દાખલ ના હોય, તો એવા ઘણા ઉદ્યોગો અને વ્યવસાયો છે જેઓ સરકારી ભંડોળની જગ્યાએ પોતાના નાણાં રોકીને સો શાળાઓ સારી રીતે ચલાવી શકે છે.
આ પ્રકારના શિક્ષણથી બીજું નુકસાન એ છે કે બાળકો તેમના માતા-પિતા પાસેથી ખેતી કે સુથારીકામ જેવા કૌશલ્યો પણ શીખતા નથી. તેમની પાસે કોઈ શિક્ષણ કે કૌશલ્ય નથી કે તેઓ ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા નથી. આ એક ટાઈમ બોમ્બ છે કારણ કે જે યુવાનોને રોજગારની કોઈ શક્યતા નથી તેઓ દેશમાં ગુનાહિત, આતંકવાદી અને અન્ય પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓ માટેના મુખ્ય ઉમેદવાર છે. તેથી, તે ખૂબ જ મહત્વનું છે કે તેઓ કુશળ હોય. દરેક ગામમાં નહીં તો ઓછામાં ઓછા દરેક તાલુકામાં કૌશલ્ય કેન્દ્રો હોવા જોઈએ. પ્રાઈવેટ એજન્સીઓએ તેને હાથમાં લેવું જોઈએ કારણ કે દરેક વસ્તુ માટે સરકારની રાહ જોવામાં સમય લાગશે.
બીજી વસ્તુ એ છે કે દરેક ગામમાં સિનેમા થિયેટર શરૂ કરવા કારણ કે લોકો ફક્ત સિનેમા જોવા માટે શહેરોમાં આવી રહ્યા છે. અને એકવાર તેઓ આવ્યા પછી તેઓ ઘરે પાછા જતા નથી. કેટલીક રમતગમતની સુવિધાઓ પણ ઉભી કરવી જોઈએ. જો વિશાળ સ્ટેડિયમ નહીં, તો યુવાનો માટે ઓછામાં ઓછા કેટલાક જીમખાના તો બનાવવા જ જોઈએ કારણ કે દેશમાં દારૂ અને માદક દ્રવ્યોના સેવનનો વિપુલ વિકાસ આગામી 10-15 વર્ષમાં ગંભીર સમસ્યા બની જશે. લાંબા સમય પહેલા જ્યારે મેં કેટલાક ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સાથે કામ કર્યું હતું, ત્યારે તેમાંથી લગભગ એંસી ટકા લોકો સાંજે પીતા હતા. જે ક્ષણે મેં જીમખાનું શરૂ કરી અને બધા યુવાનોને તેમાં સામેલ કર્યા, તેમાંથી સિત્તેર ટકાથી વધુ લોકોએ પીવાનું છોડી દીધું કારણ કે તેઓ બધા તેમની ફિટનેસ વિશે ચિંતિત હતા.
ગ્રામીણ વસ્તીને મનોરંજન, રમતગમત, શિક્ષણ અને કૌશલ્ય વિકાસની સુવિધા હોવી જોઈએ. જો આપણે આ કરીશું, તો આપણે ચોક્કસપણે ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવી શકીશું. આપણે તેને બળથી રોકી શકતા નથી. આપણે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને અને નગરો અને ગામડાઓને રહેવા માટે વધુ આકર્ષક બનાવીને જ આ કરી શકીએ છીએ.
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017 માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ - માટી બચાવોના સ્થાપક છે જે 3.91 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.