હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં ભારે ભૂસ્ખલન, જુઓ રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો
હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત છે. હવે રાજ્યના કુલ્લુ જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે બાગીપુલ-જાઓન રોડ બ્લોક થઈ ગયો છે.
Landslide In Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત છે. હવે રાજ્યના કુલ્લુ જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે બાગીપુલ-જાઓન રોડ બ્લોક થઈ ગયો છે. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂસ્ખલનનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને જોતા એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની શક્યતા પણ વ્યક્ત કરી હતી.
આ પહેલા મંગળવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ભારે ભૂસ્ખલન થયું હતું. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનમાં આઠ લોકો ઘાયલ થયા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન નિયામકએ જણાવ્યું હતું કે કાંગડા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, સવારે 9 વાગ્યે એક લોટ મિલની નજીક એક બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન થયું હતું. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા.
હિમાચલ પ્રદેશમાં વરસાદ
હિમાચલ પ્રદેશના શાલખાર ગામમાં ગત મંગળવારે વાદળ ફાટવાની બીજી ઘટના સામે આવી હતી. વાદળ ફાટવાના કારણે ઘણી નાની કેનાલો પણ તૂટી ગઈ હતી. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પાર્વતી ખીણના ચોજ નાલામાં સોમવારે વાદળ ફાટવાથી તબાહી મચી જવાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) એ માહિતી આપી હતી કે વાદળ ફાટવાના કારણે કેટલાક મકાનોને નુકસાન થયું છે.
મુખ્યમંત્રીએ બેઠક કરી
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શિમલાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થતી વિવિધ પરિસ્થિતિઓને પહોંચી વળવા વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદને કારણે આફતના સંચાલન માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે કુદરતી આફતની સંભાવનાવાળા વિસ્તારોમાં પર્યાપ્ત સંખ્યામાં લોકો અને મશીનરી તૈનાત કરવી જોઈએ.