(Source: ECI/ABP News/ABP Majha)
કોણ છે PM મોદી સાથે લાંબા સમય સુધી કામ કરનારા એકે શર્મા, તેઓ બન્યા છે યોગી સરકારમાં મંત્રી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સંપૂર્ણ બહુમતી અપાવનાર યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સંપૂર્ણ બહુમતી અપાવનાર યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનાથની સાથે તેમની નવી કેબિનેટે પણ શપથ લીધા હતા. નવા મંત્રીમાં એક નવા નામ અરુણ કુમાર શર્માની ખૂબ ચર્ચા છે. એકે શર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.
1988 બેચના IAS અધિકારી એકે શર્માને લઈને યુપીની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી ચર્ચા ચાલી રહી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એકે શર્માએ તેમની સાથે લગભગ 2001 થી 2013 સુધી કામ કર્યું હતું. શર્માની ગણતરી મોદીના સૌથી વિશ્વાસુ અધિકારીઓમાં થતી હતી. ટાટા નેનો પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવામાં એકે શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવામાં પણ તેમને મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.
PMO ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર આવ્યા હતા
મોદી જ્યારે પીએમ બન્યા ત્યારે એકે શર્મા પણ ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર પીએમઓમાં આવ્યા હતા. તેમને જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2017માં તેમને અધિક સચિવ બનાવવામાં આવ્યા હતા. શર્મા મૂળ યુપીના મઉ જિલ્લાના છે. એકે શર્મા ભૂમિહાર બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. 2021માં તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ભાજપમાં જોડાયા હતા. તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. શર્મા સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા. આ પછી યુપીના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. એવું કહેવામાં આવ્યું હતું કે તેમને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સમક્ષ ઊભા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ બાદમાં પક્ષ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
કોવિડ દરમિયાન કરેલા કામની પ્રશંસા
કોવિડ સમયગાળા દરમિયાન, તેઓ વારાણસી સહિત પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં ખૂબ સક્રિય હતા. તેમના કામના પણ ખૂબ વખાણ થયા હતા. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને સરકારમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે. જો કે તેમને પ્રથમ યોગી સરકારમાં એન્ટ્રી ન મળી શકી પરંતુ આ વખતે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.