આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા યુક્રેનમાં જ કેમ જાય છે? જાણો અસલી કારણ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુદ્ધ દિવસે ને દિવસે ભયાનક થઇ રહ્યું છે. રશિયા અને યુક્રેન એકબીજાના સૈનિકો માર્યાના દાવાઓ કરી રહ્યા છે.
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુદ્ધ દિવસે ને દિવસે ભયાનક થઇ રહ્યું છે. રશિયા અને યુક્રેન એકબીજાના સૈનિકો માર્યાના દાવાઓ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત વતન પરત લાવવા માટે અભિયાનની શરૂઆત કરી છે. સરકારી આંકડા અનુસાર યુક્રેનમાં 18 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. એક રિપોર્ટ અનુસાર, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે. અહી સવાલ એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેનમાં કેમ જાય છે.
યુક્રેનમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે યુક્રેનની ખાનગી મેડિકલ કોલેજોની ટ્યુશન ફી ભારતની કોલેજો કરતાં ઘણી સસ્તી છે. સરકારી આંકડાઓ અનુસાર, યુક્રેનમાં 18,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ભારતની જેમ મેડિકલમાં ગળા કાપ સ્પર્ધા નથી. યુક્રેનિયન મેડિકલ ડિગ્રી ભારતમાં તેમજ WHO, યુરોપ અને યુકેમાં માન્ય છે.
ભારતમાં ખાનગી મેડિકલ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 60,000 બેઠકો છે. આ સંસ્થાઓ વાર્ષિક રૂ. 18 લાખથી 30 લાખ સુધીની ફી વસૂલે છે. પાંચ વર્ષના કોર્સ માટે આ રકમ રૂ. 90 લાખથી રૂ. 1.5 કરોડ સુધીની છે. દેશમાં લગભગ 100,000 મેડિકલ સીટો માટે 16,00,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. કોચિંગ માટે પણ વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. જ્યારે યુક્રેનમાં માત્ર 16-20 લાખ રૂપિયામાં મેડિકલનો અભ્યાસ થઇ જાય છે. યુક્રેનની કોલેજોમાં એમબીબીએસનો અભ્યાસ વાર્ષિક 4-5 લાખ રૂપિયાના ખર્ચે થઇ જાય છે જે ભારતની સરખામણીએ ઘણો ઓછો છે.
જો કે એ જ MBBS કોર્સ ભારતની સરકારી મેડિકલ કોલેજોમાં લગભગ 8-10 લાખ રૂપિયામાં પૂરો થાય છે. પરંતુ આમાં એક સમસ્યા છે. ભારતમાં સરકારી મેડિકલ કોલેજોમાં ફી ઓછી છે, પરંતુ બેઠકો એટલી નથી. તેથી મેડિકલ કરવા માંગતા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. અને જે વિદ્યાર્થીઓ પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની પાસે ફી ભરવા માટે 50 લાખ રૂપિયા ન હોય તો અન્ય દેશોમાં સસ્તા કોર્સ કરવાનો એક જ રસ્તો વધે છે.
યુક્રેનમાં પણ MBBS પ્રવેશ માટે ન્યૂનતમ લાયકાત છે. ભારતમાં માત્ર NEET માં સૌથી વધુ પર્સેન્ટાઈલ મેળવનારને જ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળી શકે છે, કારણ કે ત્યાં પ્રવેશ માટે ગળા કાપવાની સ્પર્ધા છે.
યુક્રેનની કોલેજો પણ વર્લ્ડ હેલ્થ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. વધુમાં, યુક્રેનની મેડિકલ ડિગ્રીઓને યુરોપિયન કાઉન્સિલ ઑફ મેડિસિન અને યુનાઇટેડ કિંગડમની જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. યુક્રેનિયન મેડિકલ કોલેજની ડિગ્રીઓ ભારતમાં પણ માન્ય છે કારણ કે તે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય છે.