શોધખોળ કરો
કર્ણાટકઃ સ્પીકર રાજીનામું ના આપે તો તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે BJP
ભાજપના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જો તે રાજીનામું નહી આપે તો અમે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું.

બેંગલુરુઃ કર્ણાટકમાં સત્તામાં આવવાના એક દિવસ બાદ જ ભાજપ વિધાનસભાના અધ્યક્ષ આર રમેશ કુમાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહી છે. પાર્ટીના સૂત્રોના મતે જો તે જાતે જ રાજીનામું નહી આપે તો પાર્ટી તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કુમારને પદ છોડવા માટે સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે. પરંપરાગત રીતે સત્તાધારી પાર્ટીનો સભ્ય સ્પીકર બને છે. ભાજપના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જો તે રાજીનામું નહી આપે તો અમે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. ધારાસભ્યએ કહ્યું કે, અમારો પ્રથમ એજન્ડા વિશ્વાસ પ્રસ્તાવ જીતવાનો છે અને સોમવારે નાણાકીય બિલ પાસ કરવાનું છે. અમે રાહ જોઇશું કે વિધાનસભાના અધ્યક્ષ જાતે જ રાજીનામું આપે છે કે નહી. ધારાસભ્યએ પૂછ્યું કે વિપક્ષી પાર્ટીમાંથી કોઇ અધ્યક્ષ કેવી રીતે હોઇ શકે છે. એકવાર જ્યારે અમે વિશ્વાસ મત જીતી લઇશું તો ત્યારબાદ અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર કામ કરીશું. કર્ણાટકમાં અચાનક થયેલા આ રાજકીય ઘટનાક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ યેદિયુરપ્પાએ શુક્રવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા . શપથ બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, અમે 29જૂલાઇના રોજ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ મુકીશું. સપ્તાહ સુધી ચાલેલા રાજકીય ડ્રામા અને કાયદાકીય લડાઇ બાદ તેમણે શપથ લીધા હતા. રાજ્યમાં કોગ્રેસ અને જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ મંગળવારે ગઠબંધનની સરકાર પડી ગઇ હતી.
વધુ વાંચો




















